
જૂનાગઢ 6 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં ઝાંસીની સર્કલ પાસે પ્રી-નવરાત્રીના ભાગરૂપે આયોજિત પાંચ દિવસીય સરસ મેળાને જિલ્લા પંચાયતના પ્રમુખ લીનાબેન વિપુલભાઈ કાવાણીએ વિધિવત્ રીતે ખુલ્લો મૂક્યો હતો.
રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની તથા જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી આયોજિત આ સરસ મેળામાં સ્વસહાય જૂથ-સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, પંચગવ્ય, ઇમિટેશન, લેડીઝવેર, ગૃહ સુશોભન, ફરસાણ સહિતની વસ્તુઓ મળી રહેશે. આજથી શરૂ થયેલો આ સરસ મેળો ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મેળો સવારે ૧૦:૦૦ કલાકથી સાંજના ૧૦:૦૦ કલાક સુધી ખુલ્લો રહેશે.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે, માતૃશક્તિ અને સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જૂનાગઢવાસીઓ માટે પણ હુનરમંદ સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત વસ્તુઓ ખરીદવાની તક છે. આ સંદર્ભમાં તેમણે જૂનાગઢવાસીઓને સરસ મેળાની મુલાકાત લેવા અને ખરીદી કરવા માટે અપીલ કરી હતી.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે લખપતિ દીદી સહિતની યોજનાઓ શરૂ કરી છે. તેના પરિણામે મહિલાઓ પણ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે.
ઉલ્લેખનીય છે કે, સરસ મેળામાં ૩૦ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, અમરેલી, પોરબંદર, મહેસાણા, ભાવનગર જિલ્લાના સખી મંડળની બહેનો પોતાના દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું વેચાણ કરી રહ્યાં છે. આ બહેનો માટે રહેવા, જમવા અને ભોજનની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ. જાડેજા, ડિસ્ટ્રિક્ટ લાઈવલીહુડ મેનેજર બળવંતભાઈ સુંધરવા સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ