

- 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત
અમદાવાદ,30 સપ્ટેમ્બર (હિ.સ.) અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 3000 કરોડ રૂપિયાના ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, ઓપરેશન દરમિયાન આશરે 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત રૂ.3,000 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 526 કિલોથી વધુ એમડી ડ્રગ્સ અને મેથામ્ફેટામાઈનનો જથ્થો કબજે કર્યો છે. આ ડ્રગ્સ લઈને આવી રહેલા પાંચેય શખસ પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ લઈ જવાતો હતો તે પહેલાં જ ATSની ટીમે ઝડપી પાડ્યો છે. ATSએ પકડેલા ડ્રગ્સની કિંમત અંદાજિત 3 હજાર કરોડ જેટલી છે. હાલ ઝડપાયેલા પાંચેયની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ગુજરાત એટીએસ, સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી અને અન્ય ગુપ્તચર એજન્સીઓના ઇનપુટના આધારે ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપની પશ્ચિમે અરબી સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની જહાજને ટ્રેક કર્યું હતું.જહાજની સતત દેખરેખ અને ટ્રેકિંગ બાદ કોસ્ટ ગાર્ડની ટીમે જહાજ પર બોર્ડિંગ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો હોવાનું જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ