

કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને રોજગારી માટે અન્ય પર નિર્ભર રહેવાને બદલે પોતાના કૌશલ્યના આધારે આવક ઊભી કરવાની તક મળે તે દિશામાં કચ્છમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી કામગીરીમાં વધુ એક માનવતાવાદી પહેલનો ઉમેરો થયો છે. KCRC અંધજન મંડળ અને સુજલોન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસથી બાડા અને ફીલોણ ગામની જરૂરિયાતમંદ મહિલાઓને સિલાઈ મશીનની સહાય આપવામાં આવી છે.
બાડા ગામે બે તથા ફીલોણ ગામે એક મળી કુલ ત્રણ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. રોજગારલક્ષી સાધન તરીકે મળેલી આ સહાય લાભાર્થી મહિલાઓ માટે માત્ર એક મશીન પૂરતી સીમિત નથી, પરંતુ ઘરઆંગણે રહીને આવક મેળવવાની દિશામાં એક નવી શરૂઆત બની છે. સિલાઈ કામનું કૌશલ્ય ધરાવતી મહિલાઓ હવે કપડાં સીવણ, કપડાંમાં ફેરફાર સહિતના કામ દ્વારા પોતાની આવક ઊભી કરી શકશે.
KCRCના કો-ઓર્ડિનેટર ગઢવી પચાણભાઈએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની વાસ્તવિક જરૂરિયાતોને સમજ્યા બાદ તેમને ઉપયોગી બને તેવી સાધન સહાય પહોંચાડવાનો સતત પ્રયાસ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિને માત્ર આર્થિક મદદ આપવાને બદલે તેને પોતાની મહેનતથી આવક મેળવી શકે તેવું સાધન ઉપલબ્ધ કરાવવાથી આત્મનિર્ભરતાનો માર્ગ વધુ મજબૂત બને છે.
તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ, રોજગાર અને જરૂરિયાતમંદોની સહાય જેવા ક્ષેત્રોમાં સંસ્થાઓ દ્વારા સતત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સિલાઈ મશીનની આ સહાય પણ મહિલાઓને સ્વરોજગાર સાથે જોડવાના પ્રયાસનો એક ભાગ છે.
સિલાઈ મશીન મળતા લાભાર્થી મહિલાઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઘરેથી જ કામ કરવાની સુવિધા સાથે પરિવારની આવકમાં પોતાનું યોગદાન આપી શકવાની તક મળતાં મહિલાઓએ આ સહાય બદલ KCRC અંધજન મંડળ અને સુજલોન ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામજનો દ્વારા પણ આ પહેલને આવકારી સેવાભાવી સંસ્થાઓના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar