
કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) માંડવી તાલુકાના મસ્કાણા ગામે સરકારી જમીન પર થયેલા દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કલેક્ટર કચ્છ અને પ્રાંત અધિકારી, મુંદરાના માર્ગદર્શન હેઠળ મામલતદાર-માંડવીની ટીમે સરકારી જમીન પર ઊભા કરાયેલા વિવિધ પ્રકારના દબાણો દૂર કરી જમીનને દબાણમુક્ત કરી હતી.
મળતી માહિતી મુજબ, મસ્કાણા ગામની સરકારી સરવે નંબર 368/001 પૈકીની જમીનમાં આશરે 11000 ચોરસ મીટર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ વિસ્તારમાં ખેતીલાયક જમીનનો ઉપયોગ કરવા ઉપરાંત રહેણાંક મકાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમજ જમીનની આસપાસ વાડ ઊભી કરીને સરકારી જમીનનો કબજો કરવામાં આવ્યો હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું હતું.
સરકારી જમીન પરના આ દબાણને દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. મામલતદાર-માંડવી પ્રદ્યુમનસિંહ જેઠવાના નેતૃત્વ હેઠળ ટીમે સ્થળ પર પહોંચી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન સરકારી જમીનનો દબાણ હેઠળ લેવાયેલો વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો હતો.
તંત્રના જણાવ્યા અનુસાર, દબાણ હેઠળ આવેલી આ સરકારી જમીનની જંત્રી મુજબની કિંમત આશરે રૂ. 8.80 લાખ જેટલી થાય છે. સરકારી મિલકતનું રક્ષણ થાય અને જમીનનો બિનઅધિકૃત ઉપયોગ અટકાવી શકાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સર્કલ ઓફિસર, માંડવી શહેર વી.બી. જાડેજા, નાયબ મામલતદાર દબાણ સી.એમ. જોશી સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ટીમ દ્વારા સ્થળ પર જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી.
મસ્કાણા ગામે હાથ ધરાયેલી આ કાર્યવાહીથી સરકારી જમીન પર અનધિકૃત રીતે કબજો કે ઉપયોગ કરનારા તત્વોમાં તંત્રની કાર્યવાહીનો સંદેશ પહોંચ્યો છે. સરકારી જમીનના રક્ષણ માટે વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી કામગીરી કરવામાં આવે તેવી શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar