
ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬”, “સ્વચ્છ ગુજરાત 100 દિવસ” તથા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન દુકાનો, વેપારી એકમો તથા જાહેર સ્થળોએ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને સંગ્રહ કરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાની ટીમ દ્વારા વેપારીઓ તથા નાગરિકોને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને તેના બદલે પર્યાવરણને અનુકૂળ વિકલ્પોનો ઉપયોગ કરવા અંગે સમજ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા એકમો સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે માત્ર તંત્રની કામગીરી પૂરતી નથી, પરંતુ નાગરિકો અને વેપારીઓનો સહકાર પણ જરૂરી છે. પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે પર્યાવરણને નુકસાન થવાની સાથે ગટર અને વરસાદી પાણીના નિકાલમાં પણ અવરોધ ઊભો થતો હોવાથી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA