
ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) સિહોર તાલુકા હેલ્થ કચેરી અને અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા સિહોર અર્બન વિસ્તારમાં સઘન વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન તાલુકા હેલ્થ કચેરી સિહોરના સુપરવાઈઝર તથા અર્બન હેલ્થ સેન્ટરના એસ.આઈ. દ્વારા વેક્ટર કંટ્રોલ ટીમની કામગીરીનું સ્થળ પર જઈને સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
વેક્ટર કંટ્રોલ ટીમ દ્વારા અર્બન વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે વિવિધ સ્થળોની તપાસ કરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારો, પાણી ભરાવાના સ્થળો તેમજ મચ્છરોના ઉત્પત્તિ માટે સંભવિત સ્થળોની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. લોકોને પોતાના આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો ન થવા દેવા અને સ્વચ્છતા જાળવવા અંગે પણ સમજ આપવામાં આવી હતી.
સઘન કામગીરી દરમિયાન મચ્છરના ઉત્પત્તિસ્થાનો શોધી તેનો નિકાલ કરવા તેમજ જરૂરિયાત મુજબ નિયંત્રણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની પણ ચકાસણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, અર્બન વિસ્તારમાં આયુષ્માન કાર્ડ કાઢી આપવાની કામગીરીની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડની સુવિધા મળી રહે તે માટે ચાલી રહેલી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA