
ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા પરિમલ ચોક, વાઘાવાડી રોડ ખાતે આવેલી ICICI Prudential Life Insuranceની કચેરીમાં સ્ટાફ માટે ફાયર સેફ્ટી ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં કર્મચારીઓમાં જાગૃતિ કેળવવા તેમજ આગને કાબૂમાં લેવાની પ્રાથમિક કામગીરી અંગે વ્યવહારુ સમજ આપવાનો હતો.
આ કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા સ્ટાફને આગના વિવિધ પ્રકારો અને આગ લાગવાના સંભવિત કારણો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આગ લાગ્યા બાદ ગભરાયા વગર તાત્કાલિક કયા પગલાં લેવા, કઈ રીતે સલામત સ્થળે સ્થળાંતર કરવું અને અન્ય લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા તે અંગે માર્ગદર્શન અપાયું હતું.
ફાયર સેફ્ટી ડેમો દરમિયાન વિવિધ પ્રકારની આગ માટે ઉપયોગમાં લેવાતા ફાયર એક્સ્ટિંગ્વિશરના પ્રકારો તથા તેના યોગ્ય ઉપયોગ અંગે પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું હતું. આગ બુઝાવવાના સાધનોનો ઉપયોગ કરતી વખતે રાખવાની સાવચેતી વિશે પણ સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત કચેરીમાં આગ લાગવાની સંભાવના ધરાવતા સ્થળોની ઓળખ, ઇલેક્ટ્રિકલ સાધનોના સલામત ઉપયોગ, શોર્ટ સર્કિટથી બચવાના ઉપાયો તથા ઇમરજન્સી એક્ઝિટનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે પણ કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA