
- સાઈદર્શન ટ્રાવેલ્સની બસ સુરતથી રાજસ્થાન જતી હતી
- પ્રવાસીઓની લાશો બારીઓ પર લટકતી જોવા મળી
નડિયાદ/અમદાવાદ,30 સપ્ટેમ્બર (હિ.સ.) અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ-નડિયાદ વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સુરતથી રાજસ્થાન જઈ રહેલી ખાનગી બસને ઓવરટેકિંગ લેનમાં અકસ્માત નડતા 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતની જાણ થતાં 108ની ટીમ સહિતની તાત્કાલિક સેવાઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો અને મૃતકો-ઈજાગ્રસ્તોની ઓળખ સહિતની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
સુરતથી સાઈ દર્શન ટ્રાવેલ્સની લક્ઝરી બસ રાજસ્થાન જવા માટે નીકળી હતી. બસ જ્યારે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આણંદથી નડિયાદ તરફ આગળ વધી રહી હતી તે સમયે અચાનક આ દુર્ઘટના ઘટી હતી.
વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થયો તે સમયે બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. અચાનક જ મોટા ધડાકા સાથે બસ ટ્રક સાથે અથડાતાં જ મુસાફરોમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઊંઘમાંથી જાગેલા મુસાફરો ભારે ગભરાટ અને ભયના માહોલમાં મુકાઈ ગયા હતા.
આ બનાવ અંગે માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે,
જ્યારે તમામ 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સુરતના રહેવાસી ઈજાગ્રસ્ત ધનેશ જાદવે જણાવ્યું કે, તેઓ સુરતથી બસમાં બેઠા હતા અને વહેલી સવારે અચાનક જોરદાર ધડાકો થયો હતો. બસમાં સવાર તમામ લોકો ઊંઘમાં હતા તે સમયે જ આ દુર્ઘટના ઘટી હતી અને ચારેય તરફ બૂમાબૂમ થઈ ગઈ હતી.
મૃતકના સગા નિમેષભાઈએ જણાવ્યું કે, અમે સુરતથી રાત્રે 9 વાગ્યે તેઓને બસમાં બેસાડ્યા હતા. જે બાદ રાત્રે સવા ત્રણ વાગ્યે અકસ્માત થયો હોવાનો અમને કોલ આવ્યો હતો. મારા બનેવીનું મોત થયું છે. જેથી અમે તત્કાલિક સુરતથી અહીંયા આવ્યા હતા. મારી બહેનને નાના બે છોકરાઓ છે. સરકાર તરફથી વળતર મળે તેવી અમારી માગ છે.
હાલમાં પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહાર પર અસર પડી હતી, પરંતુ પોલીસે ક્ષતિગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો છે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ