સંઘ પ્રમુખ, ગ્વાલિયરના આરોગ્યધામ અને રામકૃષ્ણ આશ્રમ પહોંચ્યા
ગ્વાલિયર/ભોપાલ, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ.મોહન ભાગવત, ગ્વાલિયરમાં છ દિવસના રોકાણના બીજા દિવસે, બુધવારે આરોગ્યધામ હોસ્પિટલ પહોંચ્યા હતા. આરોગ્યધામમાં તેમણે ઓપીડીથી લઈને ઓટી સુધીની તમામ બાબતોનું નિરીક્ષણ કર્યું હતું. આ પછી અહીં તબીબો અને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ડો.ભાગવતે બેઠકમાં જણાવ્યું હતું કે, યુવાઓ અને નવી પેઢીએ આરોગ્યધામ જેવા સેવાકીય પ્રોજેક્ટ માટે તૈયાર થવું જોઈએ, જેથી જરૂરિયાતમંદોને સારી આરોગ્ય સેવાઓ મળી શકે. આરોગ્યધામ બાદ સંઘ પ્રમુખ, રામકૃષ્ણ આશ્રમ પહોંચ્યા હતા. અહીં પણ તેમણે આશ્રમની મુલાકાત લીધી હતી અને તમામ પદાધિકારીઓ સાથે વાત કરી હતી અને અહીં થયેલા કામોની માહિતી મેળવી હતી.
ગ્વાલિયરમાં 31 ઓક્ટોબરથી 4 નવેમ્બર દરમિયાન, સંઘના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત સંગઠનોના અખિલ ભારતીય સ્તરના પ્રચારકો માટે એક તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં ભાગ લેવા માટે મંગળવારે ડૉ. ભાગવત ગ્વાલિયર પહોંચ્યા. અહીં કેદારપુર સ્થિત સરસ્વતી શિશુ મંદિરમાં દિવાળીના દિવસે સંઘ પ્રચારકોનો પ્રશિક્ષણ વર્ગ શરૂ થશે. આમાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે સહિત, સંઘના તમામ સહ-સરકાર્યવાહ અને 31 સંગઠનોના 554 પ્રચારકો સામેલ થશે.
ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બુધવારે સવારે 10.30 કલાકે સરસંઘચાલક ડો. ભાગવત આરોગ્યધામ પહોંચ્યા હતા. આ પ્રસંગે પ્રાંત પ્રચારક વિમલ ગુપ્તા, વિભાગ કાર્યવાહ વિજય દીક્ષિત, રાધેશ્યામ ગુપ્તા, મનોજ સિંઘલ અને આરોગ્યધામ સ્ટીયરીંગ કમિટીના સભ્ય મધુસુદન ભદૌરીયા ઉપસ્થિત રહ્યા હતા. ડો.ભાગવતે આરોગ્યધામમાં ચાલતા આઈસીયુ, એનઆઈસીયુ અને ઓપરેશન થિયેટરનું નિરીક્ષણ કર્યું હતું. સંસ્થાના અધિકારીઓએ તેમને અહીં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આરોગ્યધામમાં કેથ લેબની સ્થાપના બાદ હૃદયના દર્દીઓ અહીં સારવાર મેળવી રહ્યા છે. હાલમાં આરોગ્યધામ હવે 200 પથારીની હોસ્પિટલ બની ગયું છે. હોસ્પિટલમાં હવે ન્યુરોલોજીસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત હોસ્પિટલમાં તમામ પ્રકારની સર્જરી કરવામાં આવી રહી છે, કારણ કે આરોગ્યધામની ઓટી અત્યાધુનિક છે. જરૂરિયાત મુજબ તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બજાર અથવા હોસ્પિટલની અન્ય લેબની તુલનામાં અહીં બ્લડ ટેસ્ટ સહિતના અન્ય ટેસ્ટ 50 ટકાથી ઓછા દરે કરવામાં આવે છે. સાથે સાથે દર્દીઓને અન્ય સુવિધાઓ પણ ઓછા દરે ઉપલબ્ધ છે. સરસંઘચાલક ડો. ભાગવત લગભગ 45 મિનિટ સુધી આરોગ્યધામમાં રોકાયા હતા અને દરેક સ્થળનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.
આ પછી સરસંઘચાલક રામકૃષ્ણ આશ્રમ પહોંચ્યા. અહીં તેમણે આશ્રમની મુલાકાત લીધા બાદ, પદાધિકારીઓની બેઠક પણ યોજી હતી. અહીં આશ્રમ કેવી રીતે ચાલે છે તે જોયું અને સમજ્યું. તેમણે આશ્રમમાં જ બપોરનું ભોજન પણ લીધું હતું. આશ્રમમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સરસંઘચાલક 4 નવેમ્બર સુધી ગ્વાલિયરમાં રહેશે અને અહીં દિવાળીની પૂજા પણ કરશે. તેમની દિવાળી ઉજવવાની તમામ વ્યવસ્થા સંઘના યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી છે. કેદારધામ ખાતે આયોજિત આ ચાર દિવસીય અભિયાન વર્ગમાં સામાજિક જીવનના વિવિધ ક્ષેત્રોમાં સક્રિય એવા કાર્યકરો ભાગ લઈ રહ્યા છે. આ એક તાલીમ વર્ગ હશે, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રો અને વર્ગો વચ્ચે સંઘના કાર્યની સમીક્ષા અને આગામી વર્ષો માટેના કાર્યક્રમોની રૂપરેખા પર ચર્ચા થશે. અહીં મજૂરો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને ગ્રામીણ, વનવાસી અને શહેરી વિસ્તારોમાં સામાજિક, ધાર્મિક, આર્થિક કામોની ચર્ચા કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકેશ તોમર/ડૉ.મયંક ચતુર્વેદી/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ