સુરત,07 ઓકટોબર (હિ.સ.) માંગરોળ તાલુકાના બોરીયાગામમાં સરકારના જળસંચય અભિયાન થકી વિકાસના નવા દ્વાર ખૂલ્યો છે. બોરીયાગામ, જ્યાં ખેડૂતો માટે ઉનાળા અને શિયાળામાં પાણીની ખુબ જ તંગી હતી, હવે પાણીની તંગી દૂર થશે. તેમજ ખેડૂતો અને મજૂરો માટે વિકાસના નવા અવસર ઉભા થઇ રહ્યાં છે. આ અભિયાન માત્ર ગ્રામજનો માટે જળસંચયનો માર્ગ નથી, પરંતુ તે રોજગારી આર્થિક વિકાસ અને ખેતીની બહોળી શક્યતાઓ પણ ઊભી કરી આપતું એક માધ્યમ છે.
માંગરોળ તાલુકામાં સરકાર દ્વારા ચાલતી જળસંચય યોજના અંતર્ગત મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે, જેનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો અને મજૂરોને મળી રહ્યો છે.માંગરોળ તાલુકા પંચાયતના મનરેગા શાખાના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર પ્રકાશ ગામીત જણાવે છે કે, માંગરોળ તાલુકામાં જળસંચય યોજના ગામના સર્વાંગી વિકાસ અને સુખાકારી તરફ એક નવો યુગ લઈ આવી છે. ગામલોકોને રોજગારી અને પાણી બંને મળી રહ્યા છે, જેનાથી તેમનું જીવન સરળ બની રહ્યું છે. તાલુકાના 72 ગામોમાં કુલ 405 કામો મંજુર કરાયા છે. તેમાં 56 કામો પૂર્ણ થયાં છે, અને બાકીના કામો પ્રગતિ હેઠળ છે. હાલ
બોરીયા ગામમાં બોર રિચાર્જ અને રિચાર્જ પીટના કામો થઈ રહ્યાં છે. જળસંચય યોજના હેઠળ ગામમાં ચાલી રહેલા કામો વિશે વિગતો આપતા મનરેગા
શાખાના ટેકનિકલ આસિસ્ટન્ટ ચતુરભાઈ ચૌધરી જણાવે છે કે, બોરીયાગામમાં આંગણવાડી પાસે બોર રિચાર્જ અને રિચાર્જ પીટનો પ્રોજેક્ટ પ્રગતિમાં છે, જેનાથી ભૂગર્ભ જળ સ્તર ઉંચું આવશે. આ અગાઉ, વરસાદી પાણી જમીનમાં ન જતાં એમ જ વહી જતું હતું. હવે, આ યોજનાથી 300 ફૂટની ઊંડાઈએ પણ પાણી નથી મળતુ તેવા ગામમાં 70 ફૂટે જ પાણી મળી રહશે.
આ યોજનાથી ગામના ખેડૂતોની સમસ્યાઓનો ઉકેલ મળી રહ્યો છે. ત્યારે બોરીયાગામના ખેડુત અનુરાગ ગણપતભાઈ ચૌધરી જણાવે છે કે, ગામમાં પાણીના
અભાવને કારણે અમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઉનાળામાં અને શિયાળામાં પાણી માટે ઝઝૂમવું પડતું અને ખેતી કરવી અશક્ય બની જતી. જળસંચય યોજનાથી હવે ખેડૂતોને પુરતું પાણી મળી રહ્યું છે, જેના કારણે ફસલની ઉપજ પણ સુધરી રહી છે.
ગામના શ્રમિકો માટે પણ આ યોજના આશીર્વાદ સમાન સાબિત થઈ છે. બોરીયાગામના શ્રમિક અર્જુન શંકરભાઇ ચૌધરીએ કહ્યું કે,આ યોજના અમને ઘરઆંગણે
મજૂરી આપી રહી છે. અમે ગામમાં જ મજૂરી મેળવી શકીએ છીએ અને રોજ 300 રૂપિયાની કમાણી કરી રહ્યા છીએ. જે અમારા પરિવાર માટે રોજગારીના આધારરૂપ છે. ગામના અન્ય રહેવાસી નરેશ બિમાસીયા પણ આ યોજનાનો લાભ લેતા જણાવે છે કે, આ પહેલા મજૂરી માટે બીજા ગામ જવું પડતું હતું. હવે, ગામમાં જ રોજગારી મળી રહી છે, અને આપણા ગામનું પાણી ગામમાં જ એવી ઉક્તિ સાર્થક થઇ છે.
આ યોજનાના કારણે બોરીયાગામમાં માત્ર પાણીનો પ્રશ્ન ઉકેલાઈ રહ્યો છે એટલું જ નહીં, પરંતુ આ યોજના દ્વારા ગામની આર્થિક પ્રગતિનો માર્ગ પણ ખુલ્યો છે. જ્યાં પહેલા વરસાદી પાણી બિનજરૂરી રીતે વહેતું રહેતું, હવે તે બોર રિચાર્જ પદ્ધતિથી જમીનમાં જઇ રહ્યું છે, જેના કારણે ભવિષ્યમાં વધુ પાણીની ઉપલબ્ધતા રહેશે. જળસંચય અભિયાનના પરિણામે બોરીયાગામ અને તેના જેવા અનેક ગામોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ અભિયાન માત્ર પાણી સંગ્રહણમાં જ નથી મદદરૂપ થઈ રહ્યું, પણ તે ગામના લોકો માટે રોજગારી, ખેતીમાં સુધારો અને સુખાકારી લાવી રહ્યું છે. બોરીયાગામનું ઉદાહરણ અન્ય ગામોને પણ પ્રેરણા પૂરી પાડે છે કે, કઈ રીતે સંકલિત પ્રયત્નો અને જળસંચય યોજના એક ગામના ભવિષ્યને બદલી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે