- રાત્રિના સમયે લાગેલી આગ કલાકો બાદ પણ બેકાબૂ
- ત્રણ જિલ્લામાંથી ફાયર ફાઈટરો બોલાવાયા
રાજકોટ/અમદાવાદ,20 નવેમ્બર (હિ.સ.) ગઇકાલે રાત્રે રાજકોટના પડધરી નજીક આવેલી સહારા યુનાઈટ પ્લાસ્ટિકનીપ્લાસ્ટિક ફેકટરીમાં ફાટી નીકળેલી આગ કલાકો બાદ પણ કાબૂમાં આવી નથી. ભીષણ આગને કાબૂમાં લેવા માટે રાજકોટ, ગોંડલ, જામનગર અને મોરબીથી ફાયરબ્રિગેડની ટીમો આવી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે. આખી રાત પાણીનો મારો ચલાવી સવાર સુધીમાં 70 ટકા આગ પર કાબૂ મેળવી લીધો હોવાનું જાણવા મળ્યું છે. ફે્કટરીમાં મોટાપ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો પડ્યો હોય આગે ગણતરીના મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
રાજકોટ જિલ્લાના પડધરી પાસે આવેલી સહારા યુનાઈટ નામની પ્લાસ્ટિકની એક ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીના મેદાનમાં પ્લાસ્ટિકનો મોટાપ્રમાણમાં જથ્થો પડ્યો હોય આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા પડધરી પોલીસ અને રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
રાત્રિના સમયે પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ સવારે 9 વાગ્યા સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી અને જામનગરથી ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળ પર પહોંચી છે અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સવાર સુધીમાં આગ પર 70 ટકા કાબૂ આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. બપોર સુધીમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાય તેવી શક્યતા છે.આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયા બાદ નુકસાનીનો આંક જાણવા મળશે. આગ લાગવાનું કારણ પણ હાલ સામે આવ્યું નથી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ