મોડાસા, 20 નવેમ્બર (હિ.સ.) સમગ્ર રાજયમાં વિવિધ સમાજોમાં આ સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં લગ્ન યોજાતા હોય છે. પરતુ કેટલાક કિસ્સામાં બાળલગ્નો થવાના બનાવો સામે આવે છે જેને લઇ સાબરકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા આવા બાળ લગ્ન અટકાવવા ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.
જેમાં ખાસ બાળલગ્નો ન થાય તે માટે સમૂહ લગ્નનું આયોજકો, સામાજિક આગેવાનો, ગોર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બન્ને પરિવારોને અપીલ કરવામાં આવી છે કે, બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે દીકરા-દીકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે. તેથી બાળ-લગ્ન ન થાય તે સમાજમાં જરૂરી છે. તેથી આપના વિસ્તારમાં/આપના ગામમાં કે આપના મહોલ્લામાં બાળ-લગ્ન ન થાય તેની તકેદારી રાખવી. અન્યથા બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ રૂ. એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદ થઇ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ