-શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ પાંચ પ્રકલ્પો લોન્ચ કરાયા
-તેજસ્વિતા સ્નેહમિલન સમારોહમાં રાજકોટ જિલ્લા કલેક્ટર, રાજકોટ પોલીસ કમિશનર અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ની પ્રેરક ઉપસ્થિતિ
રાજકોટ, 24 નવેમ્બર (હિ.સ.). ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંચાલિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- રાજકોટ દ્વારા વર્ષોથી સર્વ સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે ચાલી રહ્યા છે. જેમાં યુપીએસસી, જીપીએસસી, ઉપરાંત વર્ગ 1, 2 અને 3ની સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગોમાંથી તાલીમ લઈને અનેક યુવાનો વિવિધ સરકારી વિભાગમાં પ્રતિષ્ઠિત જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સંસ્થામાંથી તાલીમ મેળવીને સરકારી નોકરી મેળવનારા તમામ તેજસ્વી અધઝિકારીઓ-કર્મચારીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન 10 નવેમ્બર ને રવિવારના રોજ શ્રી ખોડલધામ મંદિર-કાગવડ મુકામે કરવામાં આવ્યું હતું.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા વિવિધ પાંચ પ્રકલ્પોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 10 નવેમ્બર ને રવિવારે યોજાયેલા તેજસ્વિતા સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેનાર તમામ સફળ વિદ્યાર્થીઓનું ટ્રસ્ટીશ્રીઓ દ્વારા મા ખોડલની છબી આપી, ખેસ પહેરાવીને ખોડલધામની માહિતી પુસ્તિકા આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટ્ય બાદ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના પ્રમુખ હરેશભાઈ પરસાણાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ ટ્રસ્ટી ઓ દ્વારા મા ખોડલની છબી અર્પણ કરીને ખેસ પહેરાવીને સન્માન કરાયું હતું. બાદમાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના મંત્રી જી.એલ. રામાણી દ્વારા SPCF સંસ્થાની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સ્નેહમિલન સમારોહમાં પધારેલા ક્લાસ-1 અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ જ્ઞાતિ-સમાજના અગ્રણીઓનું પણ ટ્રસ્ટી ઓ દ્વારા સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા વિવિધ 5 પ્રકલ્પોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનની નવી શાખા જે ગાંધીનગર ખાતે શરૂ થનાર છે તેનું લોન્ચિંગ કરાયું હતું. ત્યારબાદ UPSC-GPSCની જુનિયર ફાઉન્ડેશન કોર્ષની શરૂઆત થનાર છે તેનું લોન્ચિંગ કરાયું હતું. બાદમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત GPSC પ્રિલિમ્સ માટે અંગ્રેજી માધ્યમમાં શરૂ થનાર ઓનલાઈન બેચનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ IIT/NEETની ફાઉન્ડેશન બેચનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પાંચમાં પ્રકલ્પ તરીકે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ન્યૂઝ લેટર (ત્રિમાસિક)નું ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું જ્યારે આઠ વર્ષ પહેલા રાજકોટમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે આવ્યો હતો ત્યારથી મારે SPCF સાથે નાતો છે. હું આ સંસ્થામાં લેક્ચર આપવા માટે જતો હતો. સંસ્થા દ્વારા જે પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે તે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તેમણે યુપીએસસી જેવી કઠિન પરીક્ષા પાસ કરવા માટે કેવી રણનીતિ અપનાવવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ લોકોને શિક્ષિત કરવા માટે અને યુવાનોને સારી જગ્યાએ નોકરી મળે તે માટે SPCF સંસ્થા દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને બિરદાવ્યા હતા. આ ઉપરાંત તેમણે સરકારી વિભાગોમાં વિવિધ જગ્યાઓ પર ફરજ બજાવી રહેલા અધિકારીઓ-કર્મચારીઓને જણાવ્યું હતું કે, તેમણે લોકોની સમસ્યા સાંભળવી જોઈએ. તમારી પાસે કામ લઈને આવનાર લોકો સંતુષ્ટ થઈને જાય તો તમારી સર્વિસ સાર્થક થઈ ગણાશે. નોકરી તો તમામ લોકો કરતાં હોય છે પરંતુ સમાજ અને દેશની સેવા કેવી રીતે કરવી તે મહત્વનું છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ પોતાના વક્તવ્યમાં યુવાનોને કારકિર્દી નિર્માણ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં આપને જે ભૂમિકા મળી છે તેને સારી રીતે પૂર્ણ કરવી જોઈએ. સરદાર પટેલ ની વાતને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, લોકો પ્રસંશા કરે કે ન કરે તમારે તમારી ભૂમિકા સારી રીતે નિભાવવાની છે. લોકો તમારી પાસે અપેક્ષા રાખે એ સારા તંત્રની નિશાની છે અને એ આશા આપણે પૂર્ણ કરવી જોઈએ. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, શ્રી ખોડલધામ માત્ર મંદિર ન રહી જતાં શિક્ષણ અને આરોગ્યના કામ થાય તેની ચિંતા કરી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીક અદ્યતન કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના લોકોને ઘર આંગણે જ એક છત નીચે તમામ સારવાર આપવામાં આવશે. સાથે જ તેમણે સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી , રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ જ્ઞાતિ અને સમાજના અગ્રણીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ, શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીશ્રીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના કન્વીનરો અને તેમની સંગઠન ટીમ, વિવિધ સમિતિઓના સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે સૌએ સાથે ભોજન પ્રસાદ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ