મુંબઈ, નવી દિલ્હી, 08 નવેમ્બર (હિ.સ). કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલી દરમિયાન કહ્યું હતું કે હવે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ 370 હટાવવા માટે જોરદાર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેને કોઈપણ કિંમતે સફળ થવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ, શરદ પવારની ચાર પેઢીઓ આવે તો પણ અમે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવીશું નહીં. અમિત શાહે કહ્યું કે, શરદ પવાર દસ વર્ષ કેન્દ્રમાં મંત્રી રહ્યા, પરંતુ તેમણે મહારાષ્ટ્ર માટે કંઈ કર્યું નહીં.
મહારાષ્ટ્રના શિરાલા વિધાનસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધતા અમિત શાહે, શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે તેમના પિતા સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેએ સૌપ્રથમ ઔરંગાબાદ જિલ્લાનું નામ સંભાજી નગર રાખવાની માંગ કરી હતી. સરકારે તેમની માંગ પૂરી કરી, પરંતુ હવે તેમના પુત્ર ઉદ્ધવ ઠાકરે ઔરંગાબાદનું નામ સંભાજીનગર રાખવાનો વિરોધ કરી રહ્યા છે. અમિત શાહે કહ્યું કે, ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરી દેવામાં આવ્યું છે અને હવે નામ એ જ રહેશે, હવે તેને કોઈ બદલી શકશે નહીં. અમિત શાહે પૂછ્યું કે, શું ઉદ્ધવ ઠાકરે વક્ફ બોર્ડનો વિરોધ કરશે? વડાપ્રધાન મોદીએ સરકારમાં આવ્યા બાદ, પાંચ વર્ષમાં રામ મંદિરનું નિર્માણ કરી બતાવ્યું છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે બંને વોટબેંકથી ડરે છે એટલે રામમંદિર ગયા નથી. અમિત શાહે કહ્યું કે, શિરાલામાં નાગપંચમીનો તહેવાર ફરી શરૂ થશે, હવે તેને કોઈ રોકી શકશે નહીં.
અમિત શાહે કહ્યું કે, શરદ પવારે જવાબ આપવો જોઈએ કે, જ્યારે રાજ્યમાં ગઠબંધન દસ વર્ષ સુધી સત્તામાં હતું ત્યારે તેમણે શું કર્યું. મોદીએ મહારાષ્ટ્રના વિકાસ માટે વધુમાં વધુ ફંડ આપવાનો પ્રયાસ કર્યો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. આયુષ્માન ભારત યોજનાનો 10 લાખ લોકોએ લાભ લીધો છે. સાત લાખ મહિલાઓએ લાડલી બેહન યોજનાનો લાભ લીધો છે. આ પ્રસંગે તેમણે ખાતરી આપી હતી કે, જો રાજ્યમાં મહાગઠબંધનની સરકાર આવશે તો કેન્દ્ર સરકારની મદદથી મહારાષ્ટ્રને દેશનું નંબર વન રાજ્ય બનાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર/રાજબહાદુર યાદવ/સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ