પોરબંદર, 22 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લાના ખેડુતોને ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી બાદ લેવાના પગલાંઓ અંગેની માર્ગદર્શિકા જૂનાગઢ તેમજ આણંદ કૃષિ યુનિવર્સીટીના નિષ્ણાંતો દ્વારા અપાયેલ સુચનોને આધારે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પગલાંઓ જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના સંકલિત વ્યવસ્થાપનમાં લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ 5 દિવસે હેક્ટર દીઠ 20 ફેરોમેન ટ્રેપ છોડથી 1 ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર 21 દિવસે બદલવી તેમજ ખેતરમાં વીઘા દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક 1 થી 2 ટીંપા નાખવા. જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા નાશ પામશે.પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભાં પાકમાં અગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે 40-50 ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા આવે તેમજ લીંબોળીનાં મીંજનું પ ટકા દ્વાવણ (500 ગ્રામ મીંજનો પાવડર 10 લિટર પાણીમાં) નાં 2 થી 3 છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે.
લીમડા આધારિત તૈયાર કીટનાશક 10 મિ.લિ.(5બઇસી) અથવા નફ્ફટીયાના પાનનો 500 ગ્રામનો અથવા અરડૂસીના પાનનો 500 ગ્રામ અર્ક 10 લિટર પાણીમાં ભેળવી 2 થી 3 છંટકાવ કરવા અને લીલી ઈયળના જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીન્સીસ 5 ડબલ્યુપી 20 ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના 1 ડબલ્યુપી 40 ગ્રામ પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા એક હેક્ટર માટે 250 રોગીષ્ટ ઈયળનું દ્રાવણ (એન.પી.વી.) બનાવી 500 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી લીલી ઈયળનું નિયંત્રણ કરી શકાય.વધુમાં જરૂરીયાત જણાયેથી લીલી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં 50 ટકા ફુલ બેસવાની અવસ્થાએ અને ત્યાર બાદ 15 દિવસે કિવનાલફોસ 20 મિ.લિ. અથવા ફલુબેન્ડ્રીયામાઈડ ર મિ.લિ. અથવા કલોરાન્ટ્રાનીલીપ્રોલ 1.5 મિ.લિ. અથવા ઈમામેકટીન બેન્ઝોએટ 2 ગ્રામ દવા 10 લિટર પાણીમાં ભેળવીને છાંટવી. અને પાણીની અછતવાળા વિસ્તારમાં ચણાના પાકમાં કિવનાલફોસ 1.5 ટકા ભુકી દવા હેકટરે રપ કિ.ગ્રા. પ્રમાણે છાંટવાથી સારૂ પરિણામ મળે છે અને દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવ્યું છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya