સુરત, 27 ડિસેમ્બર (હિ.સ.). સુરત શહેરના રાંદેર વિસ્તારમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના બાળકે રમતા રમતા ભૂલમાં ઝેરી દવા પી લીધી હતી, પરંતુ 108 ઈમરજન્સી ટીમની ત્વરિત સારવારથી બાળકનો જીવ બચ્યો હતો. હાલ નવી સિવિલમાં દાખલ આ બાળકની તબિયત સ્થિર છે.
ગત રોજ રાંદેર લોકેશનની એમ્બ્યુલન્સને એક બાળકે ઝેરી દવા પીધી હોવાનો કોલ મળ્યો હતો. જેથી 108 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફરજ પરના EMT શબ્બીર બેલીમે બાળકને તપાસતા બાળક બેભાન હોવાનું માલૂમ પડ્યું હતું, તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમજ પલ્સ અને ઓક્સિજન ખૂબ જ ઓછા હતા. જેથી બાળકને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ અમદાવાદ નરોડા સ્થિત 108 સેન્ટરના ઇ.આર.સી.પી ડોક્ટરના માર્ગદર્શન મુજબ ઓક્સિજન તેમજ જરૂરી ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી દીધી હતી. બાળકના પિતા મૂળ રાજસ્થાનના બાંસવાડાના વતની છે અને સુરતમાં કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા જ દિવસોમાં ઉત્તરાયણ પર્વ આવી રહ્યું છે, જેથી બાળકના પિતા પતંગના દોરીમાંજાનું કામ શરૂ કરવાના હોવાથી દોરીમાં નાંખવામાં આવતા કલર અને કેમિકલની બોટલો ઘરે લાવ્યા હતા. એવામાં ઘરે રમી રહેલા નાનકડા બાળકે કેમિકલ પી લીધું હતું. જેથી માતાપિતા તાત્કાલિક ઓટો રિક્ષા દ્વારા બાળકને રાંદેર હેલ્થ સેન્ટરમાં લઇ ગયા હતા, જ્યાં બાળકની સ્થિતિની ગંભીરતા જોતા આરોગ્ય સ્ટાફે નવી સિવિલમાં રિફર કર્યા હતા. જેથી પરિવારે 108માં કોલ કર્યો હતો, ત્યારે 108 સ્ટાફની તત્કાલ સારવારથી બાળકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી એમ સુરત 108ના જિલ્લા પોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ટેરીટરી ઇન્ચાર્જ અજય કદમ દ્વારા જણાવાયુ હતું. EMT શબ્બીરભાઈએ જણાવ્યું કે, બાળકના માતા-પિતા ખૂબ જ ચિંતિત હતા. રડીરડીને તેમની હાલત દયનીય થઇ હતી, પણ 108 એમબ્યુલન્સમાં મળેલી સારવારથી સિવિલ પહોંચતાં સુધીમાં બાળકની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો, અને સિવિલ પહોંચતાં બાળકે આંખ પણ ખોલી હતી, જેથી પરિવારને ધરપત આપી હતી અને માતાપિતાની ચિંતા ઓછી થઈ હતી અને 108 સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે