- 8 થી 12 મે સુધી જિલ્લાના મતદાન કરેલ તમામ મતદાતાઓ માટે શિવરાજપુર બીચ ખાતે નિઃશુલ્ક પ્રવેશ અપાશે -


- 8 થી 12 મે સુધી જિલ્લાના મતદાન કરેલ તમામ મતદાતાઓ માટે શિવરાજપુર બીચ ખાતે નિઃશુલ્ક પ્રવેશ અપાશે

- 7 થી 9 મે સુધી જિલ્લાની વિવિધ હોટેલોમાં 7% સુધીના ડિસ્કાઉન્ટની પણ હોટેલ એસોસિએશન દ્વારા જાહેરાત

દ્વારકા/અમદાવાદ,25 એપ્રિલ (હિ.સ.) લોકશાહીના સૌથી મોટા તહેવાર એટલે લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યાના દિશા દર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતતા કેળવવા સનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.જેને પગલે જિલ્લાની અનેક સંસ્થાઓ પણ લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા માટે તત્પર છે.

જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તેમજ લોકશાહી મજબૂત બને તેવા ઉદેશ્યથી સ્વ નિર્ણયથી પ્રોત્સાહક વળતર આપવામાં અંગે પ્રતિબદ્ધ થયા છે.દ્વારકા હોટલ એસોસિએશનના હોદ્દેદારોએ પણ લોકશાહીના આ મહાપર્વમાં મતદાતાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ હોટેલો જેમ કે દ્વારકાધીશ લોર્ડ્સ ઈકો ઈન, ધી દ્વારિકા, લેમન ટ્રી પ્રીમિયર, વિટ્સ દેવભૂમિ, દેવકીનંદન, બરસાના તેમજ મધુવન સુઇટ્સ જેવી હોટેલમાં 7 ટકા ડિસ્કાઉન્ટ 7 મે,2024 થી 9 મે,2024 સુધી આપવાની ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક સહમતી આપી છે. આ ડિસ્કાઉન્ટ માટેના બોર્ડ બેનર હોટલ - રેસ્ટોરેન્ટ બહાર પણ લગાવવામાં આવશે. તદુપરાંત લોકશાહીના મહાપર્વમાં યોગદાન આપી શકે તે હેતુ હોટેલમાં કામ કરતા સ્થાનિક કર્મચારીઓને પણ મતદાન કરવા માટે સવેતન રજા આપવામાં આવશે. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ પર્યટન સ્થળ શિવરાજપુર બીચ ખાતે વધુમાં વધુ નાગરિકો મતદાન કરવા પ્રેરાય તે મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે મતદાન જાગૃતિના બેનરો લગાવવામાં આવશે. તેમજ જિલ્લાના તમામ મતદારો મતદાન કર્યાનું ચિન્હ અને ઓળખપત્ર બતાવી 8 મે થી 12 મે સુધી બીચ ખાતે નિઃશુલ્ક એન્ટ્રી મેળવી શકશે જેમાં એક સમયે એક એન્ટ્રી મળશે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande