ઢાકા, નવી દિલ્હી, 30 જુલાઇ (હિ.સ.) બાંગ્લાદેશ સરકારે સોમવારે પ્રથમ વખત સ્વીકાર્યું કે, અનામત પ્રણાલી વિરુદ્ધ વિદ્યાર્થીઓના હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન દેશભરમાં 150 લોકોના મોત થયા છે. તાજેતરમાં, બાંગ્લાદેશમાં નોકરીઓમાં અનામતના વિરોધને ડામવા માટે સરકારે સેનાને બોલાવવી પડી હતી.
આ મહિનાની શરૂઆતમાં યુનિવર્સિટીઓ અને કોલેજોમાં શરૂ થયેલ વિરોધ ટૂંક સમયમાં જ વડા પ્રધાન શેખ હસીના અને તેમની સરકાર વિરુદ્ધ વ્યાપક ચળવળમાં ફેરવાઈ ગયો. આ હિંસક પ્રદર્શનોમાં પોલીસકર્મીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે અને મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓને નુકસાન થયું છે.
વડા પ્રધાન કાર્યાલય ખાતે હસીનાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ, કેબિનેટ સચિવ મહેબૂબ હુસૈને મીડિયાને જણાવ્યું હતું કે, સરકારે નિર્ણય કર્યો છે કે આવતીકાલે દેશવ્યાપી શોક મનાવવામાં આવશે... લોકોને મૃત્યુ પામેલા (હિંસા દરમિયાન) લોકો પર શોક મનાવવા માટે કાળા બેજ પહેરવાની વિનંતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં મસ્જિદો, મંદિરો, પેગોડા (બૌદ્ધ ધર્મસ્થાનો) અને ચર્ચોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મૃતકો અને ઘાયલો માટે પ્રાર્થના સભાઓનું આયોજન કરે.
ટોચના અમલદારે જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન અસદ-ઉઝ-જમાં ખાન કમલે બેઠકમાં સમગ્ર પરિસ્થિતિ વિશે અહેવાલ રજૂ કર્યો હતો અને દેશભરમાં થયેલી અથડામણમાં 150 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી હતી. આ જાહેરાત એવા દિવસે આવી જ્યારે સૈન્ય અને અર્ધલશ્કરી દળો રાજધાની ઢાકાની શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા અને રમખાણ વિરોધી સાધનોથી સજ્જ પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના એક જૂથે રવિવારે રાત્રે વિરોધના નવા રાઉન્ડની હાકલ કરી છે.
જૂથે નવા વિરોધનું આહ્વાન કર્યું છે, જ્યારે તેના છ સંયોજકોએ વિરોધ પાછો ખેંચવાની જાહેરાત કરી છે. પ્રદર્શનકારીઓએ કહ્યું કે, પોલીસ કસ્ટડીમાં દબાણમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિરોધમાંથી ખસી ગયેલા છ વિદ્યાર્થી નેતાઓએ રવિવારે રાત્રે મીડિયાને જણાવ્યું હતું કે, અનામત પ્રણાલી પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે.
કોર્ટના આદેશને અનુસરીને, સરકારે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે 93 ટકા નોકરીઓ ઉમેદવારોને યોગ્યતાના આધારે ઉપલબ્ધ થશે.
‘પ્રોથોમ એલો’ અખબારે 113 બાળકો સહિત 210 લોકોના મોતની જાણ કરી હતી. અન્ય લોકો જેમણે જીવ ગુમાવ્યો છે તેઓ મોટે ભાગે કિશોરો અને યુવાનો હતા. અખબારે કહ્યું કે અશાંતિની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશભરમાં ઓછામાં ઓછા નવ હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અજીત તિવારી / પ્રભાત મિશ્રા / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ / માધવી વ્યાસ