ન્યૂ યોર્ક, નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.). ભારત 2026-28 કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (યુએનએચઆરસી) માં ચૂંટાયું છે. આ ભારતનો સાતમો કાર્યકાળ હશે. યુએનએચઆરસી એ મંગળવારે યોજાયેલી ચૂંટણી પરિણામોની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. ભારતનો ત્રણ વર્ષનો કાર્યકાળ આવતા વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થશે.
યુએનએચઆરસી ની એક્સ પોસ્ટ અનુસાર, મહાસભાએ 2026-28 કાર્યકાળ માટે માનવ અધિકાર પરિષદના 14 સભ્યોની પસંદગી કરી છે. આ સભ્ય દેશો અંગોલા, ચિલી, ઇક્વાડોર, ઇજિપ્ત, એસ્ટોનિયા, ભારત, ઇરાક, ઇટાલી, મોરેશિયસ, પાકિસ્તાન, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ અને વિયેતનામ છે.
મહાસભાની જાહેરાત બાદ, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, પી. હરીશે એક એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે ભારતની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. હરીશે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારત તેમના કાર્યકાળ દરમિયાન આ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે તમામ પ્રતિનિધિમંડળોનો તેમના સમર્થન બદલ આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે, 47 સભ્યોની માનવ અધિકાર પરિષદ સંયુક્ત રાષ્ટ્રની એક મુખ્ય સંસ્થા છે. તે વિશ્વભરમાં માનવ અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવા માટે કાર્ય કરે છે. 2006 માં જ્યારે મહાસભાએ તેની રચના કરી ત્યારે ભારત સૌપ્રથમ કાઉન્સિલમાં ચૂંટાયું હતું.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ