તેલ અવીવ, નવી દિલ્હી, 15 ઓક્ટોબર (હિ.સ.). ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આજે કડક વલણ અપનાવતા કહ્યું કે, જો હમાસ નિઃશસ્ત્રીકરણનો ઇનકાર કરશે, તો વિનાશ થશે. તેમની ટિપ્પણીઓ એવા સમયે આવી છે જ્યારે ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો અમલમાં આવ્યો છે. ઇઝરાયલી બંધકોની મુક્તિ બાદ, પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવી રહ્યા છે. દરમિયાન, હમાસે ચાર બંધકોના મૃતદેહ ઇઝરાયલને સોંપ્યા છે.
ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, વડા પ્રધાન નેતન્યાહૂએ સીબીએસ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે, જો હમાસ નિઃશસ્ત્રીકરણ માટે સંમત નહીં થાય, તો વિનાશ થશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જ્યારે ઇઝરાયલી દળો હજુ પણ ગાઝાના ભાગોમાં તૈનાત છે અને હમાસ પટ્ટી પર ફરીથી નિયંત્રણ સ્થાપિત કરી રહ્યું છે ત્યારે યુદ્ધ કેવી રીતે સમાપ્ત થયું, ત્યારે તેમણે જવાબ આપ્યો, આપણે કેવી રીતે કહી શકીએ કે યુદ્ધ સમાપ્ત થયું છે? નેતન્યાહૂએ કહ્યું, અમે શાંતિને તક આપવા સંમત થયા છીએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, યુદ્ધવિરામ કરારમાં પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથોને નિઃશસ્ત્ર કરવા અને ગાઝાને બિનલશ્કરીકરણ કરવાની જોગવાઈ છે. ગાઝા પટ્ટીની અંદર કોઈ શસ્ત્ર ફેક્ટરીઓ કાર્યરત ન હોવી જોઈએ અને તેની સરહદો પાર કોઈ દાણચોરી ન થવી જોઈએ. નોંધનીય છે કે, અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ કહ્યું છે કે, જો હમાસ કરારના તેના ભાગનું પાલન નહીં કરે, તો તેને હિંસક રીતે નિઃશસ્ત્ર કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, તેઓ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના કરારનો આગામી તબક્કો શાંતિપૂર્ણ રહેવાની અપેક્ષા રાખે છે. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની શરતો ખૂબ જ સ્પષ્ટ છે: હમાસે તેના શસ્ત્રો સોંપવા જોઈએ અને બિનલશ્કરીકરણ કરવું જોઈએ, નહીં તો બધું તૂટી જશે. નેતન્યાહૂએ કહ્યું, અમે શાંતિને એક તક આપવા સંમત થયા છીએ. ટ્રમ્પે ગાઝા માટે તેમની 20-મુદ્દા ની શાંતિ યોજનાના પ્રથમ તબક્કાની જાહેરાત કરવા માટે તેલ અવીવની ટૂંકી મુલાકાતના એક દિવસ પછી આ જ નિવેદન આપ્યું હતું.
દરમિયાન, ઇઝરાયલી આરોગ્ય મંત્રાલયે પુષ્ટિ આપી છે કે, ચાર મૃત બંધકોના અવશેષો ધરાવતા શબપેટીઓ ઓળખ માટે તેલ અવીવના અબુ કબીર ફોરેન્સિક ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચ્યા છે. ઓળખ પ્રક્રિયામાં બે દિવસ લાગી શકે છે. હમાસે સોંપવામાં આવેલા બંધકોની ઓળખ જાહેર કરી નથી.
ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, હમાસે મધ્યસ્થીઓને જાણ કરી છે કે તે બુધવારે ઇઝરાયલને મૃત બંધકોના ચાર વધુ મૃતદેહો સોંપશે. આનાથી હમાસ દ્વારા પરત કરાયેલા બંધકોની કુલ સંખ્યા 12 થઈ ગઈ છે. હમાસે દાવો કર્યો છે કે તેને બધા મૃતદેહો સુધી પહોંચવા માટે સમયની જરૂર છે કારણ કે કેટલાક આઈડીએફ બોમ્બમારાથી નાશ પામેલા ઇમારતો અને સુરંગોના કાટમાળ નીચે દટાયેલા છે. કેટલાક મૃતદેહો આઈડીએફ-નિયંત્રિત વિસ્તારોમાં છે. હમાસે આ સંખ્યા 16 બતાવી છે.
ઇઝરાયલે હમાસના દાવાઓને એક અસ્પષ્ટ યુક્તિ ગણાવી છે અને ધમકી આપી છે કે, જો આતંકવાદી જૂથ તાત્કાલિક બાકીના મૃતદેહો પરત નહીં કરે તો સહાય મર્યાદિત કરી દેશે. ઇજિપ્ત સાથેનો રફાહ સરહદ ક્રોસિંગ બંધ કરવામાં આવશે, અને લડાઈ ફરી શરૂ થશે.
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે મંગળવારે પણ કહ્યું હતું કે, હમાસે મૃતદેહો વિશે મધ્યસ્થીઓને છેતર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ