પાટણ,01 ઓગસ્ટ (હિ.સ.) પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 1લી ઓગસ્ટ 2024 ના રોજ વિશ્વ ફેફસાં કેન્સર દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા વૈજ્ઞાનિક ચર્ચા અને ઇન્ટરેક્ટિવ માનવ મોડેલના માધ્યમથી સહભાગીઓને ફેફસાના કેન્સરના કારણો, લક્ષણો અને નિવારણ વિશે સમજાવવામાં આવ્યા હતા. તેમને જણાવ્યું હતું કે, જ્યારે શરીરમાં ફેફસાંના ભાગમાં જરૂરિયાત કરતા વધારે કોષો અનિયંત્રિત સંખ્યામાં વૃદ્ધિ પામે છે, ત્યારે ફેફસાંના કેન્સર થાય છે.
સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાઇરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યુ કે, વિશ્વ ફેફસાં કેન્સર દિવસ દર વર્ષે પહેલી ઓગસ્ટે મનાવવામાં આવે છે. વાયુ પ્રદૂષણ અને નબળી જીવનશૈલીને કારણે ભારતમાં ફેફસાંનું કેન્સર ખૂબ જ સામાન્ય છે. રોગના લક્ષણોને શોધવું ખૂબ જ પડકારજનક છે, કારણ કે જ્યાં સુધી તે અદ્યતન તબક્કામાં ન પહોંચે ત્યાં સુધી લક્ષણો દેખાતા નથી. તેમ છતાં, સંતુલિત આહાર, નિયમિત કસરત, વ્યસન મુક્ત જીવન અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી ફેફસાનું કેન્સર અંકુશમાં લાવી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર / હર્ષ શાહ