છોટાઉદેપુર,04 સપ્ટેમ્બર (હિ.સ.) બોડેલી-હાલોલ રોડ ઉપર જાંબુઘોડા નજીક આવેલો હાથણી માતાનો ધોધ છેલ્લા સપ્તાહમાં ધોધમાર વરસાદ વરસતા સોળે કળાએ ખિલ્યો છે. કુદરતે આ વિસ્તારને છુટા હાથે સૌંદર્ય આપ્યું છે. તાજેતરની રજાઓમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ અત્રે ઉમટી પડ્યા હતા. ચોમાસામાં હાથણી માતાના ધોધની આસપાસના વિસ્તારનું સૌંદર્ય ખિલે ઉઠતું હોય છે. સાતમ-આઠમ દરમિયાન ધોધમાર વરસાદ થતા હાથણી માતાનો ધોધ જીવંત બન્યો હતો. ઉંચાઇ ઉપરથી પડતો આ ધોધ આ વિસ્તારના સહેલાણીઓની પ્રથમ પસંદગી બની રહે છે. તેમાંય જો રજાઓ આવી જાય તો અહિયા વાહનનું પાર્કિંગ કરવું પણ મુશ્કેલ બની જાય છે. ઘોઘંબા તાલુકાના સરસવા ગામ પાસે આ ધોધ આવેલો છે. વડોદરાથી વાયા બોડેલી અને હાલોલ બન્ને રસ્તે અહિયા આવી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ