




- 40થી વધુ કતલખાનાઓ સીલ કરવાની કામગીરી હાથ ધરી
પાટણ, 05 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતા સ્લોટિંગ યુનિટો (કતલખાના) સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે 40થી વધુ કતલખાનાઓ સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ કાર્યવાહીમાં પાલિકાની વોટર વર્કસ, ભૂગર્ભ, સ્વચ્છતા, ટાઉન પ્લાનિંગ, વેરા શાખા તેમજ GEB (UGVCL)ના અધિકારીઓ જોડાયા હતા. સમગ્ર કામગીરી સુચારુ રીતે થાય તે માટે વિવિધ વિભાગોની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી. કસુંબીયા પાડા સહિતના વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નળ, વીજ લાઇન અને ભૂગર્ભ ગટર કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા.
પાલિકાની ભૂગર્ભ શાખાની ટીમે જેસીબી મશીન વડે ખાડા ખોદીને ગટર કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરી હતી, જેથી ભવિષ્યમાં ફરી ગેરકાયદેસર કામગીરી ન થઈ શકે. સીલિંગ દરમિયાન ઘરો અને દુકાનોમાંથી માંસ-મટનનો મોટો જથ્થો, તેમજ કતલ માટે વપરાતા છરા અને ચપ્પા જપ્ત કરવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ હાડપિંજર પણ મળી આવ્યા હતા.
કેટલીક દુકાનો બંધ હોવાથી પાલિકાની ટીમે કટર વડે તાળા તોડી અંદર પ્રવેશ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ દુકાનોના શટર પર સીલ અને નોટિસ ચોટાડવામાં આવી હતી.પાલિકાની કાર્યવાહી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં વેપારીઓ અને લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા.
નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું કે, તમામ દુકાનો નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલી રહી હતી અને કોઇ પાસે માન્ય લાયસન્સ નહોતું. હાઇકોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
DySP સિદ્ધપુર કે.કે. પંડ્યાએ જણાવ્યું કે, અગાઉથી નોટિસ આપવામાં આવી હતી અને આજે તેની અમલવારી કરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ તરફ મુસ્લિમ સમાજના આગેવાન કસમઅલીએ કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ મામલે હાઇકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને તેઓ આગળ કાનૂની માર્ગ અપનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ