
અમરેલી,05 જાન્યુઆરી (હિ.સ.) સાવરકુંડલા ખાતે નગરપાલિકાના સહયોગથી સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણ જેવા ઉત્તમ ધ્યેય સાથે ઐતિહાસિક સાઇકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહી સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સાઇકલચાલકોનો ઉત્સાહ વધારવાનો અવસર મળ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ સ્પર્ધાએ નાગરિકોમાં આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે સકારાત્મક જાગૃતિ ફેલાવી હતી.
સ્પર્ધામાં બાળકો, યુવાનો અને વડીલો સહિત વિવિધ વયજૂથના સાઇકલપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. “સ્વસ્થ રહો, પ્રકૃતિ બચાવો” જેવા સંદેશ સાથે યોજાયેલી આ સ્પર્ધા દ્વારા દૈનિક જીવનમાં સાઇકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. સાઇકલ ચલાવવાથી શારીરિક તંદુરસ્તી વધે છે તેમજ પ્રદૂષણ ઘટાડવામાં પણ મહત્વનો ફાળો મળે છે તે બાબત ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ સમગ્ર આયોજનમાં સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને પાણી જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આયોજકો દ્વારા ભાગ લેનાર સૌને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સ્થાનિક નાગરિકોએ પણ આ પહેલને બિરદાવી હતી અને ભવિષ્યમાં આવા વધુ આરોગ્યલક્ષી અને પર્યાવરણમૈત્રી કાર્યક્રમો યોજવાની આશા વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai