છોટાઉદેપુર,04 સપ્ટેમ્બર (હિ.સ.) પાવી જેતપુર તાલુકાના શિહોદ પાસે ભારજ નદીનો પુલ તુટી જતાં કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ શરૂ કરી છે અને પુલ વહેલી તકે બનાવવા માટે લોકોની સહમતી લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લાની ધોળી નસ સમાન નેશનલ હાઇવે 56 ઉપર શિહોદ ભારજ નદી ઉપર આવેલો પુલ તુટી ગયો છે. જેને લઇને જિલ્લાની જનતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આ પુલ તૂટી જતા સ્થાનિક લોકોને 35 થી 42 કિલોમીટરનો ફેરાવો ફરવા મજબૂર બની ગયા છે.
આ પુલ તૂટી ગયો ઉપરાંત બાજુમાં ચાર મહિના પહેલા બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ તૂટી જતા લોકોના પરસેવાના રૂ.2.31 કરોડ પાણીમાં જતાં રહ્યાં છે. જેને લઇને લોકોમાં ભારે ગુસ્સો પણ જોવા મળી રહ્યો છે.
લોકોની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ડાયવર્ઝનમાં કરવામાં આવેલો ગોબાચારી સામે પગલાં ભરાય અને નવો પુલ વહેલી તકે બનાવીને લોકોની હાલાકી વહેલા વહેલી તકે દૂર કરાય તે માટે સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તબક્કાવાર જિલ્લામાં અલગ અલગ ઠેકાણે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ