નવી દિલ્હી, 1 જાન્યુઆરી (હિ.સ.) 2025ની પ્રથમ કેબિનેટમાં લેવાયેલા મુખ્ય નિર્ણયોના પ્રકાશમાં, વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ બુધવારે પુનરોચ્ચાર કર્યો હતો કે,” સરકાર ખેડૂતોના કલ્યાણ માટે,
સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”
વડાપ્રધાને એક એક્સ-પોસ્ટમાં કહ્યું, “અમારી સરકાર
ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. અમને અમારી તમામ ખેડૂત બહેનો અને
ભાઈઓ પર ગર્વ છે, જેઓ અમારા દેશને ખવડાવવા માટે સખત મહેનત કરે છે. 2025ની પ્રથમ કેબિનેટ
આપણા ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છે. મને ખુશી છે કે આ સંદર્ભમાં
મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.”
તેમણે અન્ય એક પોસ્ટમાં કહ્યું કે,” નવા વર્ષનો પહેલો
નિર્ણય આપણા દેશના કરોડો ખેડૂત ભાઈ-બહેનોને સમર્પિત છે. અમે પાક વીમા માટે ફાળવણી
વધારવાની મંજૂરી આપી છે. આનાથી ખેડૂતોના પાકને વધુ રક્ષણ મળશે તો નુકસાનની ચિંતા
પણ ઓછી થશે.”
વડાપ્રધાને કહ્યું કે,” ડાય-એમોનિયમ ફોસ્ફેટ પર એક વખતના
વિશેષ પેકેજમાં વધારો કરવાના કેબિનેટના નિર્ણયથી આપણા ખેડૂતોને પોષણક્ષમ ભાવે
ડીએપી આપવામાં મદદ મળશે.”
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષના પહેલા દિવસે વડાપ્રધાનની
અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં, ખેડૂતો માટે બે મોટા નિર્ણયો
લેવામાં આવ્યા હતા. સરકારે પાક વીમા યોજના માટે, ફાળવણી વધારીને રૂ. 69,515 કરોડ કરી છે અને
ખેડૂતો માટે ડાય-એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી) ખાતર માટે, વધારાની સબસિડીને મંજૂરી આપી
છે. સરકારે ડીએપીખાતર માટે રૂ. 3,850 કરોડનું વન-ટાઇમ
પેકેજ આપ્યું છે. ખેડૂતોને ડીએપી ખાતર, 1,350 રૂપિયા પ્રતિ 50 કિલોના દરે મળતું રહેશે. વધારાનો ખર્ચ સરકાર ભોગવશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ