શ્રીહરિકોટા, નવી દિલ્હી, 29 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) નું ઐતિહાસિક 100મું પ્રક્ષેપણ સફળ રહ્યું. એનવીએસ-02 વહન કરતું જીએસએલવી-એફ-15 આજે સવારે 6.23 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું. આ સફળતા અંગે ઇસરોએ કહ્યું કે ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.
એનવીએસ-02 ઉપગ્રહ ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવ્યો છે. તે એક સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે. તેનું વજન 2,250 કિલો છે. તે નવી પેઢીના નેવિગેશન ઉપગ્રહોમાં બીજો છે. ઇસરોના વડા તરીકે કાર્યભાર સંભાળનારા વી. નારાયણન માટે આ પ્રથમ પ્રક્ષેપણ છે. તેમણે જાતે પ્રક્ષેપણનું નિરીક્ષણ કર્યું. આ ઉપગ્રહ પ્રક્ષેપણ ભૌગોલિક, હવાઈ અને દરિયાઈ નેવિગેશન સેવાઓ માટે ઉપયોગી થશે. આ ટેકનોલોજી કૃષિ, વિમાન વ્યવસ્થાપન અને મોબાઇલ ઉપકરણોમાં સ્થાન-આધારિત સેવાઓ પૂરી પાડવામાં મદદ કરશે.
ચેરમેન નારાયણન એ, આ સફળતા માટે ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, આ વર્ષે કરવામાં આવેલ પહેલો પ્રયોગ સફળ રહ્યો. એનવીએસ-02 ઉપગ્રહ દસ વર્ષ સુધી સેવામાં રહેશે. વિક્રમ સારાભાઈના સમયથી ઇસરો નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. નારાયણન એ કહ્યું કે, અત્યાર સુધીમાં અમે છ પેઢીના લોન્ચ વાહનો વિકસાવી ચૂક્યા છીએ. પ્રથમ લોન્ચ વ્હીકલ ૧૯૭૯ માં ડૉ. અબ્દુલ કલામના નેતૃત્વ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું હતું. શ્રીહરિકોટામાં અત્યાર સુધીમાં 100 પ્રયોગો કરવામાં આવ્યા છે. અમે ૧૦૦ પ્રક્ષેપણોમાં ૫૪૮ ઉપગ્રહો પ્રક્ષેપિત કર્યા. નારાયણને કહ્યું કે, ઇસરોએ 3 ચંદ્રયાન, માસ ઓર્બિટર, આદિત્ય અને એસઆરઈ મિશન લોન્ચ કર્યા છે.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), ડૉ. જીતેન્દ્ર સિંહે, આ ઐતિહાસિક સિદ્ધિ માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ને અભિનંદન પાઠવ્યા છે. ૧૦૦મું પ્રક્ષેપણ: શ્રીહરિકોટાથી ૧૦૦મું પ્રક્ષેપણની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ ઈસરોને અભિનંદન, સિંહે તેમના એક્સ હેન્ડલ પર લખ્યું. રેકોર્ડ સિદ્ધિની આ ઐતિહાસિક ક્ષણે અવકાશ વિભાગ સાથે જોડાવું એ એક સૌભાગ્યની વાત છે. ટીમ ઈસરો, તમે ફરી એકવાર જીએસએલવી-એફ-15 / એનવીએસ-02 મિશનના સફળ પ્રક્ષેપણ સાથે ભારતને ગૌરવ અપાવ્યું છે.
તેમણે લખ્યું, વિક્રમ સારાભાઈ, સતીશ ધવન અને કેટલાક અન્ય લોકો દ્વારા એક નાની શરૂઆતથી, આ એક અદ્ભુત સફર રહી છે અને પીએમ મોદીએ અવકાશ ક્ષેત્રને અનલોક કર્યા પછી અને આકાશની કોઈ મર્યાદા નથી એવો આત્મવિશ્વાસ જગાવ્યા પછી, આ એક મોટી છલાંગ છે.”
હિન્દુસ્થાન સમાચાર/નાગરાજ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ