- બાળ શ્રમિકોને સ્પેશિયલ હોમ ફોર બોયઝમાં આશ્રય અપાયો : પોલીસ તથા શ્રમ ખાતાની ટીમ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરાઈ
રાજકોટ/અમદાવાદ,10 જાન્યુઆરી (હિ.સ.) રાજકોટ શહેર પોલીસ એ.એચ.ટી.યુ. ટીમ દ્વારા બાળ મજુરી નાબુદી અન્વયે કામગીરી કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે પોલીસ દ્વારા બે ટીમો બનાવીને રેસકોર્સ રીંગરોડ ફરતે, રેસકોર્સ મેદાનમાં તથા અન્ય જગ્યાઓ પર બાળ મજૂરી બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન રેસકોર્સ રીંગ રોડ
ફરતે ત્રણ બાળ શ્રમિકો મમરી ધાણીનું વેચાણ કરતા નજરે પડ્યા હતા. આ બાળ શ્રમિકોને શ્રમ અધિકારીએ રૂબરૂમાં પૂછતા, તેમણે જણાવ્યું કે રાજા બાબુએ અમને મજૂરી માટે રાખેલા છે. આ મજૂરી બદલ એક બાળ શ્રમિકને 6000 માસિક વેતન તથા બીજા બે બાળ શ્રમિકોને કુલ 8000 માસિક વેતન આપતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ ત્રણ બાળ શ્રમિકો પાસે રાજા બાબુ સાંજના ચાર વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી કામ કરાવતા હતા. રેકડીમાં મમરી-ધાણી ભરીને બાળ શ્રમિકોને રેકડી આપી દેવામાં આવતી હતી. બાળ શ્રમિકો એકલા ઘરેથી રેકડી ચલાવીને રેસકોસ રીંગ રોડ પર વેચાણ કરતા હતા. રાત્રે વેચાણ પૂર્ણ કરી દિવસનો જે વેપાર થાય, તેકમાણી રાજા બાબુને આપી દેતા હતા.
બાળ શ્રમિકોને મજૂરીએ રાખનારા રાજા બાબુને પકડીને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ચાઈલ્ડ લેબર પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. તેમજ બાળ શ્રમિકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી સ્પેશિયલ હોમ ફોર બોયઝમાં આશ્રય અપાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ