પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 17 જાન્યુઆરી 2025ના રોજ શ્રી ટી.સી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાધનપુર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો સવારે 11 વાગ્યાથી શરૂ થશે.
આ મેળામાં પાવર ડ્રાઇવ બેરીંગ્સ (સાણંદ), લેબરનેટ સર્વિસ ઇન્ડિયા (અમદાવાદ), સી.આઇ.આઇ મોડેલ કેરિયર સેન્ટર (વડોદરા), શિવશક્તિ એગ્રીટેક (અમદાવાદ) અને આદિત્ય એન્ટરપ્રાઇઝ (સાણંદ) જેવી નામાંકિત કંપનીઓ ભાગ લેશે. 18થી 30 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો માટે ફિટર, ઓપરેટર, મશીન ઓપરેટર, ટ્રેઇની, ટેકનિકલ ઓફિસર અને કાઉન્સેલર જેવી વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ માટે ધોરણ 10, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારોએ બે ફોટોગ્રાફ, શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને 3-4 બાયોડેટા સાથે સ્વખર્ચે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું પડશે. નોંધણી ન કરાવનારાઓ પણ ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે www.anubandham.gujarat.gov.in વેબસાઈટ પર જઈ શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર