-સીટીઝન કોમ્પ્લેક્સના એક ભાગનો સ્લેબ ધરાશયી થતા એક પરિવાર ફસાયો
-ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે રેસક્યું ઓપરેશન હાથ ધરી સુરક્ષિત બહાર કાઢ્યા
-નગરપાલિકા દ્વારા પણ સીટીઝન કોમ્પ્લેક્સને આપવામાં આવી છે નોટીસો
ભરૂચ 15 જાન્યુઆરી (હિ.સ.).ભરૂચ મહંમદપુરા નજીક આવેલ અને જર્જરિત સીટીઝન કોમ્પ્લેક્સની ગેલેરી ધડાકા સાથે ધરાશય થતા એક પરિવાર ફસાયો હતો.જેને ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે રેસક્યું ઓપરેશન હાથધરી સુરક્ષિત બહાર કાઢ્યો હતો.
ભરૂચના મહંમદપુરા નજીક આવેલ અને જર્જરિત થઇ ગયેલ સીટીઝન કોમ્પ્લેક્સની ગેલેરી ધડાકા સાથે ધરાશય થતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો.જેમાં એક ઘરમાં પતિ ,પત્ની અને એક છ વર્ષની બાળકી ફસાયા હતા.જેઓ ભયભીત થતાં અંતે ભરૂચ નગરપાલિકા ફાયરબ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો બચાવ કામગીરી માટે પહોંચ્યો હતો અને સ્થાનિકોની મદદ લઈ આખા પરીવારને હેમખેમ બહાર કાઢવા પોતાનો જીવ જોખમમાં મૂકીને પ્રયાસ કર્યા હતા.
તૂટેલા કાટમાળ વાળા ઘરમાં ફસાયેલા ત્રણેયને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ પહેલા પણ આ કોમ્પ્લેક્સની કેટલી ગેલેરીઓ અવાર નવાર ખરી પડી હોવાની ઘટનાઓ બનતી રહી છે .તો નગરપાલિકા દ્વારા પણ સીટીઝન કોમ્પ્લેક્સને જોખમી જાહેર કરી નોટિસો આપવામાં આવી છે પણ નોટીસ આપ્યા બાદ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે આજે પણ અહી કેટલાયે પરિવારો ભયના ઓથા હેઠળ રહે છે ત્યારે જો કોઈ મોટી જાનહાનિની ઘટના ન બને તે માટે ખરા અર્થમાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ