વલસાડ, 15 જાન્યુઆરી (હિ.સ.)-ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2025-26 માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે રૂ 2,425/- પ્રતિ કિવન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતેતા. 01/01/2025 થી શરૂ કરવામાં આવી છે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવે છે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો 7/12, 8- અ ની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોય આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે.ખરીદી સમયે ખેડૂતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો. નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા વિનંતી છે.
ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે, અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખાસ નોંધ લેશો. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે એવું જિલ્લા મેનેજર અને જિલ્લા પુરવઠા અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે