નવી દિલ્હી, 15 જાન્યુઆરી (હિ.સ.) મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે, બે યુદ્ધ
જહાજો અને એક સબમરીનનું લોન્ચિંગ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું
હતું કે,” ભારત વિસ્તારવાદની નહીં પણ વિકાસવાદની ભાવનાથી કામ કરે છે.”
પ્રધાનમંત્રીએ કહ્યું કે,” આજનો દિવસ ભારતના દરિયાઈ વારસા, નૌકાદળના
ગૌરવશાળી ઇતિહાસ અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે પણ એક મોટો દિવસ છે. છત્રપતિ
શિવાજી મહારાજે નૌકાદળને નવી તાકાત અને દ્રષ્ટિ આપી. આજે, આ પવિત્ર ભૂમિ પર, આપણે 21મી સદીના
નૌકાદળને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરી રહ્યા છીએ.”
તેમણે કહ્યું કે,” આ પહેલી વાર છે જ્યારે એક વિધ્વંસક, એક ફ્રિગેટ અને
એક સબમરીન એકસાથે કાર્યરત થઈ રહી છે. સૌથી મોટી વાત એ છે કે, આ ફ્રન્ટલાઈન
પ્લેટફોર્મ ભારતમાં બનાવેલા ઉત્પાદનો છે. આ ત્રણેય, ભારતની સુરક્ષા અને પ્રગતિને
નવી તાકાત આપશે.” પ્રધાનમંત્રી મોદીએ આ માટે ભારતીય નૌકાદળ, ઇજનેરો, કામદારો અને
સમગ્ર દેશને અભિનંદન આપ્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,” આજે ભારતને સમગ્ર
વિશ્વમાં અને ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં, એક વિશ્વસનીય અને જવાબદાર ભાગીદાર તરીકે
ઓળખવામાં આવી રહ્યુ છે.” તેમણે કહ્યું કે,” ભારત હંમેશા ખુલ્લા, સુરક્ષિત, સમાવિષ્ટ અને
સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સમર્થન આપે છે.” તેમણે કહ્યું કે,” 21મી સદીના
ભારતની લશ્કરી ક્ષમતા વધુ સક્ષમ અને આધુનિક હોવી જોઈએ તે દેશની પ્રાથમિકતાઓમાંની
એક છે. ભારત દરેક જગ્યાએ પોતાના હિતોનું રક્ષણ કરી રહ્યું છે - પાણી, જમીન, આકાશ, ઊંડા સમુદ્ર અને
વિશાળ અવકાશમાં. આ માટે નિરંતર રીફોર્મ કરવામાં આવી રહ્યા છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ