પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)પાટણમાં નિવૃત્ત શિક્ષક સાથે થયેલા ‘ડિજિટલ એરેસ્ટ’ ફ્રોડના ગંભીર કેસમાં આરોપી દેવીલાલ શંકરલાલ બિશ્નોઈની જામીન અરજી પાટણના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન.વી. પઠાણે ફગાવી દીધી છે. 22 દિવસ સુધી સિનિયર સિટીઝનને ડરાવીઘમકાવી રાખી તેમની પાસેથી રૂપિયા 44 લાખ ટ્રાન્સફર કરાવવાના આ ગુનામાં આરોપીને પાટણની સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના જયપુરથી ટ્રાન્સફર વોરંટના આધારે પકડ્યો હતો.
આરોપી પહેલાંથી જ જયપુરની સેન્ટ્રલ જેલમાં અન્ય ગુનામાં બંધ હતો અને 4 ઑક્ટોબર, 2025ના રોજ પાટણ લાવવામાં આવ્યો હતો. સરકાર પક્ષના વકીલ આર.પી. ઓઝાએ કોર્ટમાં જણાવ્યુ આવા ગુનાઓ સતત વધી રહ્યા છે, જેથી સમાજમાં ભયનું વાતાવરણ છે અને આર્થિક નુકસાન પણ થાય છે. જો આવા આરોપીઓને સરળતાથી જામીન પર મુક્ત કરાશે તો સમાજ પર નકારાત્મક અસર થશે.
પોલીસ તપાસમાં આરોપી પાસે એક્સિસબેંકની ચેકબુક પણ મળી આવી છે, જેમાંથી ફ્રોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું જણાઈ આવે છે. જો કે કેસની તપાસ હજુ ચાલુ છે અને વધુ ખુલાસાની શક્યતા હોવાથી કોર્ટએ જામીન અરજી ફગાવીને આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ