અમદાવાદ,14 ઓકટોબર (હિ.સ.) કતાર એરવેઝની દોહા થી હોંગકોંગ જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. દોહાથી હોંગકોંગ જઈ રહેલી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ખામીને પગલે બપોરે 2:30 વાગ્યે ફ્લાઇટ લેન્ડ કરવામાં આવી હતી. ચાંદખેડા ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઉચ્ચ અધિકારીઓ સાથે એરપોર્ટ પર સ્ટેન્ડ બાય માટે મોકલી દેવામાં આવી હતી.
દોહા (DOH) થી હોંગકોંગ (HKG) જઈ રહેલા વિમાનમાં ટેકનિકલ સમસ્યાને કારણે, 14 ઓક્ટોબર 2025 ના રોજ બપોરે 1:12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. જેથી ફ્લાઇટનું લેન્ડિંગ કરી શકાય. ફ્લાઇટ 2:32 વાગ્યે સુરક્ષિત રીતે લેન્ડિગ થઈ હતી અને 2:38 વાગ્યે ઇમર્જન્સી પાછી ખેંચી લેવામાં આવી હતી. એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી ન હતી. ફ્લાઇટ ફરીથી હોંગકોંગ જવા માટે ટેક ઓફ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ