સુરત , 14 ઓક્ટોબર (હિ.સ.)-સુરત શહેર નકલી ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ફરી ચર્ચામાં આવ્યું છે. નકલી ઘી અને માખણ બાદ હવે નકલી કોસ્મેટિકનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. પુણા વિસ્તારના એક ગોડાઉનમાં પોલીસે દરોડો પાડી 11.78 લાખ રૂપિયાના ડુપ્લીકેટ કોસ્મેટિક ઉત્પાદનોનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પુણા પોલીસ અને ઝોન-1 એલસીબીની સંયુક્ત ટીમને માહિતી મળી હતી કે પિતા અને તેના બે પુત્ર ગેરકાયદે રીતે નકલી કોસ્મેટિક બનાવી ઓનલાઈન વેચાણ કરી રહ્યા છે. માહિતીના આધારે રેઈડ કરતા પુણાગામની રંગ અવધૂત સોસાયટીમાં ચાલતો આ ગોરખધંધો બહાર આવ્યો હતો.
પોલીસે પિતા બાબુ ઉકા ચૌહાણ (ઉંમર 54) અને તેના બે પુત્રો — નિરલ (27) અને સિદ્ધાર્થ (22) —ને ઝડપી પાડ્યા છે. તપાસમાં ખુલ્યું કે આ ત્રણે લોકો સસ્તામાં રો મટીરીયલ ખરીદી બોટલમાં ભરી તેમાં બ્રાન્ડેડ કંપનીઓના નકલી સ્ટિકર લગાવતા અને પછી એ પ્રોડક્ટ્સ એમેઝોન, ફ્લિપકાર્ટ, મિશો જેવી ઈ-કોમર્સ સાઈટ્સ પર વેચતા હતા.
આ પિતા-પુત્રોની ટોળકી ફક્ત ₹10માં બનેલી વસ્તુને બ્રાન્ડેડ લુક આપીને ₹200થી વધુમાં વેચતી હતી. ક્રીમ, શેમ્પૂ, હેર ઓઈલ અને અન્ય કોસ્મેટિક વસ્તુઓના નકલી પેકિંગનો આખો ધંધો ગોડાઉનમાં ચાલતો હતો.
પોલીસે સ્થળ પરથી 11.78 લાખ રૂપિયાના નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સ સાથે પેકિંગ મટીરીયલ, સ્ટિકર અને સાધનો પણ કબ્જે કર્યા છે. કેસને લઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે