- 90 હજાર કિ.મી. ખુલ્લી વીજલાઈનોનું M.V.C.C.માં ‘વીજળીવેગે’ ચાલતું રૂપાંતરણ
- વિક્ષેપ બંધ થતાં ગ્રાહકો-ઉદ્યોગોને અવિરત વીજ પૂરવઠો મળતા વિકાસ ‘વિદ્યુતવેગી’ બનશે
- વર્ષ 2025-26માં 30 હજારથી વધુ કિ.મી. વીજલાઈનના 786 કરોડનાં કામો પૂર્ણ કરવા પૂરજોશમાં ચાલતી કામગીરી
રાજકોટ/અમદાવાદ,14 ઓકટોબર (હિ.સ.) ચોસામામાં બે વીજતાર પવનના લીધે અથડાય, સ્પાર્ક થાય અને વીજળી ગુલ થઈ જાય, કે વૃક્ષની ડાળી તૂટે તો વીજલાઈન તૂટે ને અંધારા છવાય.. પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં થોડા સમયમાં જ આ દ્રશ્યો બદલાઈ જશે. ખુલ્લી વીજલાઈનો મીડિયમ વોલ્ટેડ કવર કન્ડક્ટર (એમ.વી.સી.સી.) લાઈનોમાં કન્વર્ટ થઈ જતાં, વીજલાઈનોના સ્પાર્ક, અકસ્માતો ભૂતકાળ બની જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જે અન્વયે ગુજરાતની વણથંભી વિકાસયાત્રાની ગાથા વિકાસ રથના માધ્યમથી લોકો સુધી પહોંચી રહી છે.
દેશના વિકાસ માટે અવિરત વીજપૂરવઠો ખૂબ જ જરૂરી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગ્રાહકોને વિક્ષેપ વિના અવિરત વીજ પૂરવઠો મળતો રહે તે માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 11 કે.વી.ની ખુલ્લી વીજલાઈનોને મીડિયમ વોલ્ટેજ કવર કન્ડક્ટર (એમ.વી.સી.સી.)થી કવર કરવાનો ‘ભગીરથ વિકાસ પ્રોજેક્ટ’ હાથ ધરાયો છે.
આ અંગે પી.જી.વી.સી.એલ.ના ચીફ એન્જિનિયર (ટેક્નિકલ) પી.જે. મહેતાએ જણાવ્યું હતું કે, પી.જી.વી.સી.એલ.ના એમ.ડી. કેતન જોશીના નેતૃત્વમાં હાલ એમ.વી.સી.સી.નો પ્રોજેક્ટ ગતિમાન બનાવાયો છે.
તેમણે કહ્યું હતું કે, પી.જી.વી.સી.એલ. હેઠળ હાલ સૌરાષ્ટ્ર-કચ્છનો એક લાખ ચોરસ કિલોમીટર વિસ્તાર આવેલો છે. જેમાં 12 જિલ્લામાં 2.5 લાખ કિ.મી.થી વધુ એચ.ટી. (હાઇટેન્શન) જ્યારે એક લાખ કિ.મીથી વધુ લો ટેન્શન વીજલાઈન આવેલી છે. 62 લાખ જેટલા વીજગ્રાહકોને 11 લાખ ટ્રાન્સફોર્મરો દ્વારા વીજળી પૂરી પડાય છે.
તેમણે કહ્યું હતું કે, હાલ 11 કે.વી.ની ખુલ્લી વીજલાઈનોને એમ.વી.સી.સી.થી કવર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારની આર.ડી.એસ.એસ. સ્કીમ દ્વારા હાલમાં 21 હજાર કિ.મી. વીજલાઈનો એમ.વી.સી.સી.માં રૂપાંતરિત કરી દેવામાં આવી છે. જ્યારે સિસ્ટમ ઈમ્પ્રૂવમેન્ટ સ્કીમ હેઠળ આગામી ત્રણ વર્ષની અંદર રૂપિયા 2400 કરોડના ખર્ચે કુલ 90 હજાર કિ.મી. જેટલી વીજલાઈનોને એમ.વી.સી.સી.માં બદલવામાં આવશે.
હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા જિલ્લાઓમાં 786.56 કરોડના ખર્ચે 30243 કિ.મી. એમ.વી.સી.સી. લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વર્તમાન નાણાકીય વર્ષ 2025-26ના અંત સુધીમાં હયાત 33609 કિ.મી. વીજલાઈનોને એમ.વી.સી.સી.માં રૂપાંતરિત કરવાના લક્ષ્યાંક સાથે 941.61 કરોડના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.
એમ.વી.સી.સી.ના ફાયદા અંગે મહેતાએ જણાવ્યું હતું કે, એમ.વી.સી.સી. લાઈન પર થ્રી લેયર એચ.ડી.પી. કોટિંગ હોય છે. આથી તે ધારદાર કટરથી પણ સરળતાથી કાપી શકાતા નથી. ગરમી, ઠંડી કે વરસાદની તેના પર અસરો નહીં થાય અને આ વીજલાઈન કવર્ડ હોવાથી વીજલોસ પણ નહીં થાય. સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં ભેજવાળા વાતાવરણ અને ક્ષારના લીધે વીજલાઈનો ખવાઈ જાય છે, પરિણામે આ લાઈનો તૂટી પડે તો અકસ્માત પણ થતા હોય છે. જો કે, નવી કવર્ડ લાઈનોના કારણે આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે. જો કોઈ કારણસર કવર્ડ વીજલાઈન તૂટીને નીચે પડે તો પણ વીજશોકનો પ્રશ્ન રહેતો નથી. આથી ખુલ્લી વીજલાઈનોના લીધે થતા વીજશોક જેવા અકસ્માતો પણ નિવારી શકાશે.
આ એમ.વી.સી.સી. વીજલાઈનોથી પાવર સ્ટેબિલિટી વધે છે. હાલમાં પારડી, ઢોલરાના ઔદ્યોગિક વિસ્તારોમાં એમ.વી.સી.સી. લાઈનો લગાવી દેવામાં આવેલી છે. રાજકોટના શાપર વેરાવળ અને મોરબીના સિરામિક વિસ્તારોમાં કામગીરી ચાલુ છે.
પાયલોટ પ્રોજેક્ટ અંગે તેમણે કહ્યું હતું કે, અગાઉ બે વર્ષ પહેલાં માંગરોળમાં દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ખેતીવાડી ફીડરમાં એમ.વી.સી.સી.ની વીજલાઈનો નાંખી હતી. જ્યાં સફળ પરિણામો જોઈને અત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આ પ્રોજેક્ટ લાગુ કરાયો છે.
આમ એમ.વી.સી.સી. વીજલાઈનોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીના પરિવહનનું ચિત્ર જ બદલાઈ જશે અને તેનાથી વિકાસ પણ વીજવેગે આગળ વધશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ