પાટણનું રિજિયોનલ સાયન્સ સેન્ટર: વિજ્ઞાનનો જીવંત પ્રવાહ,ત્રણ વર્ષમાં 13 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી
પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)ઐતિહાસિક પાટણ, જે ''રાણી કી વાવ'' માટે જાણીતું છે, આજે ભવિષ્યના પાટણ તરીકે વિકસતું જાય છે. અહીંનું રિજિયોનલ સાયન્સ સેન્ટર હવે જ્ઞાન, ઉત્સુકતા અને પ્રેરણાનું તીર્થસ્થાન બની ગયું છે. બાળકો, યુવાઓ અને તમામ વર્ગના લોકોને માટે
પાટણનું રિજિયોનલ સાયન્સ સેન્ટર: વિજ્ઞાનનો જીવંત પ્રવાહ,ત્રણ વર્ષમાં 13 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી


પાટણ, 14 ઓક્ટોબર (હિ.સ.)ઐતિહાસિક પાટણ, જે 'રાણી કી વાવ' માટે જાણીતું છે, આજે ભવિષ્યના પાટણ તરીકે વિકસતું જાય છે. અહીંનું રિજિયોનલ સાયન્સ સેન્ટર હવે જ્ઞાન, ઉત્સુકતા અને પ્રેરણાનું તીર્થસ્થાન બની ગયું છે. બાળકો, યુવાઓ અને તમામ વર્ગના લોકોને માટે વિજ્ઞાનને અનુભવવાની અનોખી તક અહીં ઉપલબ્ધ થઈ છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ ગુજકોસ્ટ દ્વારા સરસ્વતી તાલુકાના ચોરમાર પૂરા ખાતે આશરે 80 કરોડના ખર્ચે 10 એકર વિસ્તારમાં આ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

સેન્ટરમાં 5-D થિયેટર, ડાયનાસોર રાઈડ, ફોસિલ ખોદકામ ઝોન અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અનુભવ જેવી સુવિધાઓને કારણે વિજ્ઞાનને સ્પર્શી શકાય એવું બની ગયું છે. વિઝિટરોને અહીં જીવંત અને રોચક રીતે વિજ્ઞાનને સમજી શકાય છે. ડૉ. સુમિત શાસ્ત્રીના જણાવ્યા મુજબ, ત્રણ વર્ષમાં 13 લાખથી વધુ પ્રવાસીઓએ અહીં મુલાકાત લીધી છે, જેમાં દેશના 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો અને 14 વિદેશી દેશોના મહેમાનો પણ સામેલ છે.

આ Science Center દ્વારા અત્યાર સુધીમાં 2,500થી વધુ વૈજ્ઞાનિક કાર્યક્રમો, 530 વર્કશોપ્સ, 895 વિજ્ઞાન શો, 355 વિજ્ઞાન દિવસોત્સવો અને 180 નિષ્ણાત પ્રવચનોનું આયોજન કરાયું છે. આવી પ્રવૃત્તિઓના માધ્યમથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય છે અને સમાજમાં વિજ્ઞાનપ્રતિ વિશ્વાસ વધે છે.

આજ સુધી 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, મહિલાઓ, ખેડૂતો અને દિવ્યાંગ બાળકોને સીધો લાભ મળ્યો છે. આ આંકડાઓ અને સફળતાઓ એ સાબિત કરે છે કે પાટણનું રિજિયોનલ સાયન્સ સેન્ટર માત્ર એક કેન્દ્ર નથી, પરંતુ હરતી ફરતી વિજ્ઞાન યુનિવર્સિટી તરીકે કાર્ય કરી રહ્યું છે – જ્યાં વિજ્ઞાન ફક્ત વાંચન સામગ્રી નહીં, પણ જીવંત અનુભવોમાં પરિણમ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande