પાટણ, 18 ઓક્ટોબર (હિ.સ.) આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પાટણમાં ખેડૂતો સાથે થતી અણસારભરી વર્તન સામે તથા બોટાદના કડદા આંદોલનમાં ખેડૂતોએ ભોગવેલી ખોટી ફરિયાદો પાછી ખેંચવાની માંગ સાથે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. AAPના કાર્યકરો અને નેતાઓએ પાટણ શહેરના ટી.બી. ત્રણ રસ્તાથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી શાંતિપૂર્ણ પદયાત્રા યોજી, ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને ખેડૂતોના હિતોમાં તત્પરતા દાખવી.
પદયાત્રા અંતે AAPના હોદ્દેદારોએ પાટણ જિલ્લા કલેક્ટર તુષારભાઈ ભટ્ટને રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનમાં ગુજરાત અને ખાસ કરીને પાટણના ખેડૂતોને થતો અન્યાય દર્શાવ્યો હતો તથા બોટાદના કડદા આંદોલન દરમિયાન કરવામાં આવેલી ખોટી ફરિયાદો તાત્કાલિક પાછી ખેંચવાની માંગણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં AAPના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, લોકસભા કો-ઓર્ડિનેટર પ્રભાતસિંહ સોલંકી, વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી સહિત અનેક કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે એકસ્વરે ખેડૂતો માટે ન્યાયની માંગ ઉઠાવી અને સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ