પાટણ, 18 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરમાં દિવાળીના પાંચ દિવસીય તહેવારોની શરૂઆત સાથે જ બજારોમાં ખાસ કરીને રોનક જોવા મળી રહી છે. વાઘબારસથી તહેવારની ધમધમાટ શરૂ થતાં જ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ખરીદી માટે ઉમટી રહ્યા છે, જેના કારણે દુકાનોમાં ભારે ભીડ જામી છે.
લોકો વિવિધ વસ્તુઓ જેવી કે માટીના દીવડા, રંગોળી કલર, રેડીમેડ કપડાં, મીઠાઈ, ફરસાણ તથા ગૃહસજાવટના સામાનની ઉલ્લાસભેર ખરીદી કરી રહ્યા છે. તહેવારો નજીક આવતા બજાર વિસ્તારોમાં ગ્રાહકોની અવરજવર નોંધપાત્ર રીતે વધી છે.
મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં પણ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. રેડીમેડ કપડાંના વેપારી દિલીપભાઈ જાદવે જણાવ્યા મુજબ, ગ્રાહકોમાં ખરીદીનો જુસ્સો જોવા મળે છે અને હાલમાં સારી વેચાણ વ્યવસ્થા ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ