પાટણ, 18 ઓક્ટોબર (હિ.સ.): ધનતેરસ પર્વ નિમિત્તે પાટણની જ્વેલર્સ બજારમાં સોના અને ચાંદીની ખરીદીમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ભાવમાં વધારો છતાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા બહાર નીકળી આવ્યા હતા, જે વેપારીઓ માટે આનંદદાયક રહ્યો. લોકોએ લક્ષ્મી માતાજીની પૂજા-અર્ચના કર્યા પછી શુભ મુહૂર્તમાં ઘરેણાં, મૂર્તિઓ, લગડીઓ અને સિક્કાની ખરીદી કરી હતી.
ખરીદી દરમિયાન લોકોને તેમના આર્થિક સ્થિતિ અનુસાર પસંદગી કરતાં જોવા મળ્યા. સુખી પરિવારોએ સોનાની લગડી ખરીદી અને ધનતેરસના શુભ અવસરને યાદગાર બનાવ્યો, જયારે મધ્યમવર્ગે ચાંદીના સિક્કા અને પરંપરાગત ચાંદીના ઘરેણાં ખરીદવાનું પસંદ કર્યું.
પાટણના આગવા જ્વેલર્સ વેપારી ભાર્ગવભાઈ ચોક્સી અનુસાર, આ વર્ષે ચાંદીના ચોરસ ઘરેણાં અને લગડીઓની માંગ ખાસ કરીને વધુ રહી. તેમનું કહેવું છે કે ભાવ વધારાની પરિસ્થિતિ હોવા છતાં બજારમાં ખરીદી સારી રહી. તેમણે જણાવ્યું કે એક તોલા સોનાનો ભાવ ₹1.32 લાખ જ્યારે ચાંદીનો ભાવ ₹1.65 હજાર પ્રતિ કિલો રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ