મહેસાણા, 18 ઓક્ટોબર (હિ.સ.)
દિવાળીના તહેવારના આગમન સાથે મહેસાણાની પ્રસિદ્ધ તોરણવાળી બજારમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. શહેરના લોકો ઘરની સુશોભન, ફટાકડા, કપડાં, રંગોળીના રંગ, તોરણ અને કોડિયા જેવી વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. બજારમાં 50થી વધુ વેપારીઓ દિવાળીની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. ખાસ કરીને કોડિયા અને દીવડાઓની વેચાણમાં આ વર્ષે નોંધપાત્ર વધારો નોંધાયો છે.
તોરણવાળી બજારની વિશેષતા રંગોળી અને કોડિયા છે, જેમાં નવી ડિઝાઇન અને રંગોની વિવિધતા ગ્રાહકોને આકર્ષી રહી છે. સાથે જ મુખવાસ અને નાનખટાઈ જેવી ખાદ્ય વસ્તુઓની પણ ભારે માંગ છે. વેપારીઓ જણાવે છે કે ભાવમાં 10થી15 ટકા વધારો છતાં લોકો ખરીદીમાં ઉત્સાહપૂર્વક જોડાયા છે.
બેકરી વ્યવસાયી મંગળભાઈ દંતાણી જણાવે છે કે આ વર્ષે અમદાવાદમાંથી 25થી26 નવી બિસ્કીટ વેરાઈટીઓ લાવવામાં આવી છે અને વેચાણમાં 20થી25 ટકા વધારો થયો છે. દિવાળીની ઉજવણી પહેલાં જ લાઇટિંગ અને સજાવટથી શહેર ઝળહળતું દેખાઈ રહ્યું છે, જેનાથી વેપારીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR