વડોદરા,22 ઓકટોબર (હિ.સ.) આજના સમયમાં લોકો તંદુરસ્ત જીવનશૈલી તરફથી દૂર જઈ રહ્યા છે. તળેલું ખાવું, બહારના પેકેટ્સ , કોલ્ડ્રીંક જેવી ચીજવસ્તુઓનું વધતું સેવન અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો આ બધું મળીને મેદસ્વિતાને આમંત્રણ આપે છે. મેદસ્વીતા ઘટાડવા લોકો દવાઓ, ડાયટ પ્લાન, અને મોંઘા-મોંઘા ફિટનેસ ટૂલ્સનો સહારો લે છે, પરંતુ મોટા ભાગના લોકો પાણીના પાવરથી અજાણ છે. પાચનતંત્રથી લઈને જટિલ મગજની પ્રક્રિયાઓ સુધી શરીરના દરેક કાર્યમાં પાણીનું ખૂબ મહત્વ છે.
હાલનાં માર્કેટિંગ યુગમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને કોલ્ડ્રીંક, સ્પોર્ટ્સ ડ્રિંક, ફ્રુટ ફ્લેવર્ડ વોટર વગેરે તરફ આકર્ષિત કરવામાં આવે છે. આવા ઠંડા પીણામાં ખાંડ, કેલરી અને આર્ટિફિશિયલ કેમિકલ ભરપૂર હોય છે. આ પીણાઓ માત્ર મેદસ્વિતા જ નહીં, પરંતુ ડાયાબિટીસ અને હ્રદય રોગ જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારે છે. તેથી જરૂરી છે કે આવા માઠા વિકલ્પોને પાણી જેવા સાદા, કુદરતી અને આરોગ્યદાયક વિકલ્પથી બદલવામાં આવે.
પાણી માત્ર તરસ છીપાવવાનું સ્ત્રોત નથી, તે એક એવું તત્ત્વ છે, જે શરીરના અનેક કાર્ય માટે મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને વજન ઘટાડવા માટે તો અત્યંત અસરકારક છે. નિયમિત પણે પાણી પીવાથી ભૂખ ઘટે છે. ઘણી વાર આપણે જેને ભૂખ માનીએ છીએ, તે ખરેખર તરસ હોય છે. પાણી પીવાથી મગજને સંકેત મળે છે કે પેટ ભરેલું છે. પાણી ખોરાકને પચાવવામાં મદદરૂપ થાય છે. યોગ્ય રીતે પચેલા ખોરાકમાંથી શરીરને પૂરતું પોષણ મળે છે અને ચરબીના રૂપમાં બાકી ઘટકો જમા થતાં અટકે છે.
વ્યાયામ કરતાં પહેલાં અને પછી પાણી પીવાથી શરીરની ઉર્જા સ્તર જળવાઈ રહે છે અને શરીર વધુ કાર્યક્ષમ રહે છે. જેથી વધારાની કેલરી બળી જાય છે.
દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોઈ શકે છે, પણ સામાન્ય રીતે દિનચર્યા મુજબ ૮ થી ૧૦ ગ્લાસ (૨.૫ થી ૩ લિટર) પાણી પીવું જોઈએ. ઊનાળામાં, કસરત કર્યા પછી, અથવા વધુ આઉટડોર કામ હોય ત્યારે વધુ પાણી પીવુ જરૂરી છે. દરેક ૧ કલાકે થોડું પાણી પીવાથી શરીરનું હાઈડ્રેશન જળવાઈ રહે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ