- ધોઈને ફરીથી વાપરી શકાય તેવા વિવિધ કદના કંદીલ બનાવી રહ્યા છે
વડોદરા, 22 ઓકટોબર (હિ.સ.) : દિવાળી આવે એટલે ઘરઆંગણાંમાં પ્રકાશ, રંગ અને આનંદ છવાઈ જાય છે. હાથથી બનેલા કંદીલ દિવાળીનું સૌંદર્ય અનેકગણું વધારી દે છે. આવા રંગબેરંગી કંદીલ ફક્ત ઘરને પ્રકાશિત નથી કરતા, પરંતુ ખુશી, આશા અને એકતાનું પ્રતીક બનીને આપણા પરંપરાને જીવંત રાખે છે.
વડોદરાની દિપલ જયેશભાઈ મકવાણા છેલ્લા 15 વર્ષથી હાથથી કંદીલ બનાવે છે. વિદેશી કંદીલનો પ્રચાર વધ્યો હોવા છતાં દિપલબેને સ્વદેશી કંદીલ બનાવી “વોકલ ફોર લોકલ” નો મજબૂત સંદેશ આપ્યો છે.દિપલબેને જણાવ્યું કે, અમે ભારે પ્લાસ્ટિકથી કંદીલ બનાવીએ છીએ, જે ધોઈને ફરી વાપરી શકાય છે અને ત્રણથી ચાર વર્ષ સુધી ચાલે છે. અમે ત્રિકોણ તારો, ફૂલનો ગોળો, સિંગલ-ડબલ મટકી, પાઈપ ઝૂમર, ટામેટા, સ્ટ્રોબેરી, પાઈનેપલ, બટરફ્લાય, હાંડી જેવા અનેક પ્રકારના કંદીલ બનાવીએ છીએ. ડિઝાઇન અમારી પોતાની છે અને ગ્રાહક શું માગે તે મુજબ કંદીલ બનાવી આપીએ છીએ.તેમના બનાવેલા કંદીલો વડોદરા સિવાય ભરૂચ, બારડોલી, પંચમહાલ, કરજણ, પાદરા, પોર જેવા વિસ્તારોમાં પણ પહોંચે છે. દિવાળી પહેલાંના ફક્ત 10 દિવસમાં જ તેમની વેચાણથી 2 થી 3 લાખ રૂપિયા સુધીની આવક થાય છે. આ તેમની મહેનત અને કળાની જીવંત સાબિતી છે.
વધુમાં દિપલબેને જણાવ્યું કે, “વોકલ ફોર લોકલ ફક્ત બોલવાનો શબ્દ નથી, એ તો જીવવાની રીત છે. જો આપણે આપણા જ લોકો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદીએ, તો આપણે આપણા લોકોનું જીવન સુધારી શકીએ, કારીગરોની કળા જીવંત રાખી શકીએ અને આપણા દેશને આત્મનિર્ભર બનાવી શકીએ.”વોકલ ફોર લોકલ જેવી પહેલ આપણા નાના કારીગરો અને સ્થાનિક ઉદ્યોગોને નવી દિશા આપે છે. એ ફક્ત વસ્તુ ખરીદવાનો સંદેશ નથી, પણ આપણા દેશની સંસ્કૃતિ અને સ્વાભિમાનને ઉજાગર કરવાનો એક પ્રયાસ છે.
વડોદરાની દિપલ મકવાણાએ પોતાના હાથથી બનેલા દરેક કંદીલમાં સ્વદેશી ગૌરવ, મહેનત અને આશાનો પ્રકાશ ભરી દીધો છે.તેમના આ કંદીલ ફક્ત ઘરને જ નહીં, પરંતુ “આત્મનિર્ભર ભારત”ના સપનાને પણ ઉજ્જવળ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ