જળ, જમીન, હવા અને પાકનું સંરક્ષણ કરી મૈત્રીપૂર્ણ કિટકોની સંખ્યા વધારતી પ્રાકૃતિક જંતુરોધક દવાઓ
- નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવી પાકમિત્ર દવાઓથી ઝેરમુક્ત ખેતી અને ખેતપેદાશો વડોદરા,22 ઓકટોબર (હિ.સ.) સમય સાથે બદલાયેલી ખેત પદ્ધતિમાં વપરાતા ઝેરી રસાયણોના ઉપયોગથી પાકમિત્ર કિટકોની સાથે માનવજાતિ અને પર્યાવરણને થતા ભારે
જળ, જમીન, હવા અને પાકનું સંરક્ષણ કરી મૈત્રીપૂર્ણ કિટકોની સંખ્યા વધારતી પ્રાકૃતિક જંતુરોધક દવાઓ


- નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવી પાકમિત્ર દવાઓથી ઝેરમુક્ત ખેતી અને ખેતપેદાશો

વડોદરા,22 ઓકટોબર (હિ.સ.) સમય સાથે બદલાયેલી ખેત પદ્ધતિમાં વપરાતા ઝેરી રસાયણોના ઉપયોગથી પાકમિત્ર કિટકોની સાથે માનવજાતિ અને પર્યાવરણને થતા ભારે નુક્શાનને અટકાવવા ફરી પાછી પારંપરિક દેશી પદ્ધતિ અપનાવવી આવશ્યક બની છે. ત્યારે છાણ અને ગૌમૂત્રની સાથે વિવિધ પ્રકારના છોડ વડે બનતી નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક જેવી કુદરતી કિટનાશકો મૈત્રીપૂર્ણ કિટકોની સંખ્યામાં વધારો કરી ધરતીને ફરી પાછી હરિયાળી બનાવવામાં મદદરૂપ બને છે.

નિમાસ્ત્ર બનાવવા માટે ૧૮૦ લિ. પાણીમાં ૧૦ લિ. દેશી ગાયનું ગૌમુત્ર +૨ કિ.ગ્રા દેશી ગાયનું ગોબર +૧૦ કિ.ગ્રા કડવા લીમડાના નાના પાંદડા, કુમળી ડાળીઓ અને ૨૦થી ૩૦ કિલો લીંબોડી ખાંડીને નાંખવી. આ મિશ્રણને કોથળાથી ઢાંકી ૪૮ કલાક છાયામાં રાખવું. સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાથી ગાળીને ૬ મહિના સુધી સંગ્રહ કરી ઉપયોગમાં લઈ શકાય છે.

છંટકાવ: પ્રતિ એકર ૨૦૦ લિટર ફક્ત નિમાસ્ત્ર(પાણી ભેળવ્યા વિના)

અગ્નિઅસ્ત્ર બનાવવા માટે ૨૦ લિ. દેશી ગાયનાં ગૌમુત્રમાં ૨ કિ.ગ્રા કડવા લીમડાના પાનની ચટણી+ ૫૦૦ ગ્રામ તીખા મરચાની ચટણી+ ૨૫૦ ગ્રામ દેશી લસણની ચટણી+ ૫૦૦ ગ્રામ તમાકુનો પાવડર મિશ્ર કરી તેને ઢાંકી ધીમા તાપે એક ઊભરો(ઉફાણો) આવે ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડવા દેવું. ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ, ૧-૧ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવી કપડાથી ગાળીને ૩ મહિના સુધી સંગ્રહ કરી ઉપયોગમાં લેવું.

છંટકાવ: પ્રતિ એકર ૧૦૦થી ૨૦૦ લિટર પાણી+૬ થી ૮ લિટર અગ્નિઅસ્ત્ર

બ્રહ્માસ્ત્ર બનાવવા માટે ૨૦ લિ. દેશી ગાયનું ગૌમુત્ર+ ૨ કિ.ગ્રા કડવા લીમડાના પાનની ચટણી+ ૨ કિ.ગ્રા કરંજના પાનની ચટણી+ ૨ કિ.ગ્રા. સીતાફળના પાનની ચટણી+ ૨ કિ.ગ્રા. એરંડાના પાનની ચટણી+ ૨ કિ.ગ્રા. ધતૂરાના પાનની ચટણી+ ૨ કિલો બીલીપત્રના પાનની ચટણી પૈકી કોઈપણ પાંચ જાતની ચટણી લઈ આ મિશ્રણને ઢાંકી ધીમા તાપે એક ઊભરો (ઉફાણો) આવે ત્યાં સુધી ગરમ કરવું પછી ઠંડુ પડવા દેવું.

ત્યારબાદ ૨ દિવસ સુધી સવાર-સાંજ ૧-૧ મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં હલાવી કપડાથી ગાળીને ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય.

છંટકાવ: પ્રતિ એકર ૧૦૦થી ૨૦૦ લિટર પાણી ૬થી ૮ લિટર બ્રહ્માસ્ત્ર

દશપર્ણી અર્ક બનાવવા માટે ૧૮૦ લિટર પાણી+ ૨૦ લિ. દેશી ગાયનું ગૌમુત્ર+ ૨ દેશી ગાયનું છાણ ભેગું કરી લાકડીથી હલાવીને ૨ કલાક છાયામાં કોથળાથી ઢાંકવું. જેથી જૈવ-રાસાયણિક બંધ તૂટી જાય ત્યારબાદ ઉપરોક્ત મિશ્રણ+ ૫૦૦ ગ્રામ હળદરનો પાવડર+ ૫૦૦ ગ્રામ આદુ ચટણી+ ૧૦ ગ્રામ હિંગનો પાવડર ભેગો કરી આ મિશ્રણ હલાવીને આખી રાત કોથળાથી ઢાંકવું. બીજા દિવસે સવારે ઉપરોક્ત મિશ્રણ ૧ કિ.ગ્રા. તીખા મરચાંની ચટણી, ૫૦૦ ગ્રામ દેશી લસણની ચટણી,૧ કિગ્રા તમાકુનો પાવડર ઢાંકીને વરસાદ અને તડકાથી દૂર છાયામાં રાખવું.

ત્રીજા દિવસે સવારે ઉપરોક્ત મિશ્રણ+ ૨ કિગ્રા કડવા લિમડાની ડાળીઓ, પાન+ ૨ કિગ્રાના પાન+ ૨ કિગ્રા એરંડાના પાન + ૨ કિગ્રા સિતાફળ + ૨ કિગ્રા ધતૂરાના પાન + ૨ કિગ્રા બીલીપત્ર + ૨ કિગ્રા નગોડના પાન + ૨ કિગ્રા તુલસીનીડાળી, પાન + ૨ કિગ્રા ગલગોટાના ફૂલ, છોડ, પાન +૨ કિગ્રા કડવા કારેલાના પાન + ૨ કિગ્રા આંકડાના પાન + ૨ કિગ્રા કરંજના પાન +૨ કિગ્રા આંબાના પાન + ૨ કિગ્રા જામપળના પાન + ૨ કિગ્રા હળદરના પાન + ૨ કિગ્રા આદુના પાન + ૨ કિગ્રા કરેણના પાન ૨ કિગ્રા દેશી/રામ બાવળના પાન + ૨ કિગ્રા બોરડીના પાન + ૨ કિગ્રા ફુવાડિયાના પાન + ૨ કિગ્રા જાસૂદના પાન + ૨ કિગ્રા સરગવાના પાન ઉપરોક્ત પૈકી પ્રથમ પાંચ ફરજિયા લેવાના અને બાકી રહેલામાંથી કોઈપણ પાંચના પાન પસંદ કરવા ત્યારબાદ આ મિશ્રણને પાણીમાં ડૂબાડવું, ૩૦ થી ૪૦ દિવસ સુધી છાયામાં રાખવું. દિવસમાં સવાર-સાંજ, ૧-૧ મિનિટ માટે ઘડિયાના કાંટાની દિશામાં હલાવવું પછી કપડાંથી ગાળીને સંગ્રહ કરવો અને ૬ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાશે.

છંટકાવ: પ્રતિ એકર ૧૦૦ થી ૨૦૦ લિટર પાણી ૬ થી ૮ લિટર દશપણી અર્ક

આમ, પ્રાકૃતિક કૃષિમાં કુદરતી જંતુનાશકોનો ઉપયોગ કરીને ખેડૂત ઓછા ખર્ચે, ઝેરમુક્ત અને પોષકતત્ત્વોથી ભરપૂર પાકનું ઉત્પાદન કરે છે. આ પદ્ધતિ માત્ર ખેડૂતોને સમૃદ્ધ નથી બનાવતી, પણ માનવજાત અને પૃથ્વીના પર્યાવરણનું પણ રક્ષણ કરીને સાચા અર્થમાં સર્વગ્રાહી આશીર્વાદ સાબિત થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande