ગાંધીનગર, 22 ઓક્ટોબર (હિ.સ.): રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) ના સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલિસિંગ (એસઆઈએસએસપી) દ્વારા પોલીસ સ્મૃતિ દિવસ આયોજવામાં આવ્યો હતો. જેમાં ફરજ દરમિયાન પોતાના પ્રાણનું બલિદાન આપનાર બહાદુર પોલીસ કર્મચારીઓને યાદ કરવામાં આવ્યા હતા.
આ સંભારણા દિનનું નેતૃત્વ કુલપતિ, પ્રોફેસર (ડૉ.) બિમલ એન. પટેલે કર્યું હતું, જેમણે પોલીસ શહીદોની વીરતાને ગંભીરતાપૂર્વક સ્વીકારીને અને ફરજ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર પોલીસ કર્મીઓના નામોનો ઉલ્લેખ કરીને કાર્યવાહીની શરૂઆત કરી, અને તેમના બલિદાન પ્રત્યે યુનિવર્સિટીના ઊંડા આદરને વ્યાખ્યાયિત કર્યો હતો. કુલપતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, પ્રોફેસર પટેલ અને યુનિવર્સિટીના અન્ય મહાનુભાવોએ વીર સપૂતો દ્વારા કરાયેલા બલિદાનો માટે હૃદયપૂર્વક કૃતજ્ઞતા અને શ્રદ્ધા વ્યક્ત કરી.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિનો સિલસિલો આગળ વધાવ્યો આવ્યો હતો અને આ નાયકો દ્વારા કરાયેલા સર્વોચ્ચ બલિદાનને માર્મિક રીતે સ્વીકારયો હતો. યુનિવર્સિટીના નેતૃત્વ બાદ, આરઆરયુના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ આપી. યુનિવર્સીટી દ્વારા અર્પિત આ શ્રદ્ધાંજલિ એ શહીદોની નિઃસ્વાર્થ વીરતામાંથી મેળવેલા સામૂહિક સન્માન, કૃતજ્ઞતા અને પ્રેરણાને મૂર્તિમંત કરી.
દિવસની કાર્યવાહી શ્રદ્ધા, સન્માન અને કૃતજ્ઞતાથી ભરપૂર રહી હતી, જે એ વાતને સાબિતી આપે છે કે શહીદોનું બલિદાન રાષ્ટ્રની સામૂહિક સ્મૃતિમાં અંકિત છે. આ સ્મૃતિ સમારોહે શહીદોના બલિદાન અને ભારતમાં કાયદાના અમલીકરણના ભવિષ્ય વચ્ચેના સ્થાયી જોડાણને રેખાંકિત કર્યું હતું. સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલિસિંગ ભવિષ્યના કાયદા અમલીકરણના આગેવાનો માટે એવું વાતાવરણ ઊભું કરવા માટે સમર્પિત છે, જ્યાં તેઓ વીર સપૂતોના ભૂતકાળના બલિદાનોમાંથી શીખી શકે છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) વિશે: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (આરઆરયુ) રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સુરક્ષા અને કાયદાના અમલીકરણના અભ્યાસ માટે સમર્પિત ભારતની અગ્રણી સંસ્થા છે. ભારતના વિવિધ પોલીસ દળોને મજબૂત કરવાના મિશન સાથે સ્થાપિત, આરઆરયુ ભવિષ્યના કાયદા અમલીકરણના આગેવાનોને વિશ્વ-સ્તરીય શિક્ષણ સુવિધા અને તાલીમ પૂરી પાડવા માટે અત્યાધુનિક ટેકનોલોજી, વ્યૂહાત્મક બુદ્ધિ અને માનવ-કેન્દ્રિત અભિગમને જોડે છે.
યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલિસિંગ: યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યોરિટી એન્ડ સ્માર્ટ પોલિસિંગ (એસઆઈએસએસપી) આધુનિક પોલીસિંગ વ્યૂહરચનાઓને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં સખત અને સંવેદનશીલ, આધુનિક અને મોબાઇલ, સજાગ અને જવાબદાર, વિશ્વસનીય અને પ્રતિભાવશીલ, અને ટેક્નો-સેવી અને પ્રશિક્ષિત (સ્માર્ટ) ના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. આ શાળા ભવિષ્યના કાયદા અમલીકરણ અધિકારીઓને માત્ર આધુનિક પોલીસિંગ માટે જરૂરી જ્ઞાન અને વ્યવહારુ કુશળતાથી જ નહીં, પરંતુ શાંતિ અને સુરક્ષાના મોરચે સેવા આપનારાઓ દ્વારા કરાયેલા બલિદાનોની ઊંડી સમજ સાથે પણ તૈયાર કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ