ભક્તોએ વિવિધતા સ્વીકારી ઉદાર મનથી જીવન જીવવાનો સંદેશ ગ્રહણ કર્યો
સોમનાથ, 23 ઓક્ટોબર (હિ.સ.): પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ભવ્ય 'અન્નકૂટ દર્શન શ્રૃંગાર' અર્પણ કરવામાં આવ્યો હતો. પરંપરાગત રીતે, નવા વર્ષના પ્રારંભે મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન, પકવાન અને વાનગીઓનો ભોગ ધરાવીને આ ભવ્ય અન્નકૂટ શ્રૃંગાર સજાવવામાં આવ્યો હતો. આ અલૌકિક શ્રૃંગારના દર્શન કરીને ભક્તોએ એક ગહન આધ્યાત્મિક સંદેશ ગ્રહણ કર્યો હતો. અન્નકૂટ પાછળના તાર્કિક સંદેશ મુજબ, જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદરસ રુચિ ઉત્પન્ન કરે છે, તે જ રીતે જીવનમાં આવતા વિવિધ તબક્કાઓ, પડકારો, ચડતી અને પડતી જીવવાનો ઉત્સાહ જાળવી રાખે છે.
ભક્તોને સંદેશ મળ્યો કે જીવનની દરેક પરિસ્થિતિને મહાદેવના પ્રસાદ તરીકે માનીને સ્વીકારવી અને ઉદાર મનથી આગળ વધવું એ જ મનુષ્યનું સાચું કર્મ છે. નવા વર્ષનો પ્રારંભ ઉર્જા, ઉમંગ અને સકારાત્મકતા સાથે કરવો, પરંતુ દરેક પરિસ્થિતિને ઉદારતાપૂર્વક અપનાવવી—આ ભાવ સાથે ભક્તોએ અન્નકૂટ શ્રૃંગારના દર્શન કર્યા હતા.
આ અલૌકિક દર્શનથી સોમનાથનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ