
મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના બાકરપુર ગામની પ્રતિભાશાળી દીકરી ચાર્મી ચંદ્રકાન્તભાઈ પટેલએ પોતાના ગામ, કુટુંબ અને સમગ્ર બાવીસી સમાજનું નામ ગૌરવપૂર્વક ઉજ્જવળ કર્યું છે. બેંગલોર ખાતે યોજાયેલી “National Level Abacus & Mental Arithmetic Competition 2025”ની પ્રતિસ્પર્ધામાં ચાર્મી પટેલે રાષ્ટ્રીય સ્તરે ત્રીજો ક્રમ મેળવ્યો છે.
ચાર્મી હાલ ધોરણ 6માં અભ્યાસ કરી રહી છે અને બાળપણથી જ ગણિત વિષયમાં કુશળતા દર્શાવી છે. સતત મહેનત, અભ્યાસ પ્રત્યેનો ઉમંગ અને પરિવારનું માર્ગદર્શન તેના સફળતાનું મુખ્ય રહસ્ય રહ્યું છે. ચાર્મીના પિતા ચંદ્રકાન્તભાઈ રમણભાઈ પટેલ, માતા દીપિકા ચંદ્રકાન્તભાઈ પટેલ, દાદા રમણભાઈ સોમાભાઈ પટેલ તથા દાદી કપિલાબેન રમણભાઈ પટેલની પ્રેરણાથી દીકરીએ આ સિદ્ધિ હાંસલ કરી છે.
આ સિદ્ધિથી બાકરપુર ગામ તથા સમગ્ર બાવીસી સમાજમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. ગામજનો અને સમાજજનોએ ચાર્મીને શુભકામનાઓ પાઠવી છે તથા આગળના જીવનમાં વધુ ઊંચાઈ સર કરે તે માટે મા ઉમા ખોડલની કૃપા માટે પ્રાર્થના વ્યક્ત કરી છે. ચાર્મીનો આ વિજય ગ્રામ્ય પ્રતિભાના તેજને રાષ્ટ્રીય મંચ પર ચમકાવતો ઉદાહરણ બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR