


મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા તાલુકાના જોરણંગ ગામ ખાતે આવેલી શારદાબા સાર્વજનિક હોસ્પિટલ, છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક તથા આસપાસના ગામોના હજારો દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ હોસ્પિટલમાં નબળા વર્ગના દર્દીઓને નેજીવા દરે સારવાર આપવામાં આવે છે, જેમાં એક્સ-રે, ઇસીજી, સોનોગ્રાફી અને બ્લડ રિપોર્ટ જેવી સેવાઓ ફક્ત ₹50 થી ₹250 સુધી ઉપલબ્ધ છે.
હાલમાં હોસ્પિટલમાં નવાં વિભાગો અને સુવિધાઓના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા માળનું નિર્માણ, આઈસીઓ, કેન્ટીન અને વધારાની મેડિકલ સુવિધાઓ શરૂ કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે.
હોસ્પિટલ ગામના દાતાઓ, ખાસ કરીને વિદેશમાં વસતા સેવાભાવી લોકોના સહકારથી ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલના મંત્રી રીતેશભાઈ પટેલ જણાવે છે કે અહીં “દરેક દર્દીને યોગ્ય સારવાર ઓછા ખર્ચે મળે એ અમારું ધ્યેય છે.”
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR