છઠ્ઠ પૂજાને લઈને સુરતમાં રાજકારણ ગરમાયું — કોંગ્રેસે ભાજપ પર ધાર્મિક પર્વનો રાજકીય લાભ લેવાનો આક્ષેપ કર્યો
સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.) બિહાર વિધાનસભાની ચૂંટણી માથે છે અને છઠ્ઠ પૂજા ગણતરીના કલાકો દૂર છે, ત્યારે સુરત શહેરમાં આ પવિત્ર તહેવાર રાજકારણનું મેદાન બની ગયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાળુઓ માટે બનાવાયેલા કૃત્રિમ તળાવ પર ભાજપના નેતાઓના ફોટા ધ
Chhath puja Godadara


સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.) બિહાર વિધાનસભાની ચૂંટણી માથે છે અને છઠ્ઠ પૂજા ગણતરીના કલાકો દૂર છે, ત્યારે સુરત શહેરમાં આ પવિત્ર તહેવાર રાજકારણનું મેદાન બની ગયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાળુઓ માટે બનાવાયેલા કૃત્રિમ તળાવ પર ભાજપના નેતાઓના ફોટા ધરાવતા બેનરો લગાવવામાં આવ્યા છે, જેના કારણે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે આ મામલે ભાજપ પર ધાર્મિક પ્રસંગમાં રાજકીય પ્રચાર કરવાનો સીધો આક્ષેપ કર્યો છે.

સુરતના ગોડાદરા વિસ્તારમાં રાજ પેલેસ સામે માધવ હિલ્સ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા દ્વારા છઠ્ઠ પૂજાનું આયોજન કરવા માટે કૃત્રિમ તળાવ બનાવાયું છે. પરંતુ નવી સ્થપાયેલ ઉત્તર ભારતીય છઠ્ઠ સેવા સમિતિ દ્વારા તળાવની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિતના ભાજપના નેતાઓના ફોટા ધરાવતા મોટા બેનરો લગાવવામાં આવતા વિવાદ ઊભો થયો છે.

કોંગ્રેસનો આક્ષેપ છે કે આ રીતે બતાવવામાં આવી રહ્યું છે કે જાણે સમગ્ર આયોજન શહેર ભાજપે કર્યું હોય, જ્યારે હકીકતમાં તે મહાનગરપાલિકાની વ્યવસ્થા છે.

ધાર્મિક તહેવારમાં રાજકીય લાભ લેવું ભાજપની જૂની ટેવ — કોંગ્રેસ

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ આ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, છઠ્ઠ પૂજા માટેની વ્યવસ્થા પાલિકાનું કામ છે, કોઈ રાજકીય પક્ષનું નહીં. તેમણે કહ્યું કે, ભાજપ હંમેશા ધાર્મિક પ્રસંગોને રાજકીય ફાયદા માટે વાપરે છે. બિહારમાં ચૂંટણી ચાલી રહી છે અને સુરતમાં ઉત્તર ભારતીય મતદારોને પ્રભાવિત કરવા માટે આ બેનરો લગાવવામાં આવ્યા છે.

અસલમ સાયકલવાલાએ વધુમાં કહ્યું કે બેનરોમાં મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, મેયર અને સ્થાયી અધ્યક્ષ જેવી મહત્વની વ્યક્તિઓના ફોટા ગાયબ છે, જે ભાજપના સ્થાનિક સંગઠનમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદને ઉજાગર કરે છે.

હાલ આ મુદ્દે રાજકીય ચર્ચા ગરમાઈ છે, જ્યારે પાલિકાના અધિકારીઓએ કહ્યું છે કે તળાવની વ્યવસ્થા તંત્ર દ્વારા જ કરવામાં આવી છે અને રાજકીય બેનરો અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande