
સુરત, 26 ઓક્ટોબર (હિ.સ.): સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારોએ ભારે વરસાદનો સામનો કર્યો છે. દરિયાકિનારે આવેલા પ્રવાસન સ્થળ ડુમસ, ભીમરાડ અને મગદલ્લા વિસ્તારોમાં મોડી રાત્રે થી ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણ આનંદમય બન્યું હતું.
સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ ડુમસ બીચ પર વરસાદના મઝા માણતા જોવા મળ્યા, પરંતુ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ ઉભી થઈ હતી. મગદલ્લા રોડ અને ડુમસ ગામ તરફ જતી મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક ધીમો પડ્યો હતો.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ
દરિયાકાંઠા વિસ્તારો ઉપરાંત, શહેરના મોટા વરાછા, રાંદેર રોડ, કતારગામ, પાંડેસરા, લિંબાયત અને ઉધના જેવા વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. બપોર બાદથી સાંજ સુધી સમયાંતરે પડેલા વરસાદને કારણે વાતાવરણ ઠંડું અને ભેજભર્યું બની ગયું હતું.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા
શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા નાગરિકોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાના તંત્રે પાણીની નિકાલ માટે તાત્કાલિક ટીમો મોકલીને ડ્રેનેજ સિસ્ટમ સક્રિય કરી દીધી હતી. ઉધના, પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં પાણી ભરાવાની સૌથી વધુ ફરિયાદો નોંધાઈ હતી.
મોસમ વિભાગનો અંદાજ — હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે
હવામાન વિભાગે આગામી 48 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉકાઈ ડેમના ઉપરવાસ વિસ્તારમાં પણ વરસાદ ચાલુ હોવાથી નદી અને કોઝવે વિસ્તારના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે